Placeholder canvas

14 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મહાવીર ચૌહાણને 20 વર્ષની સજા

રાજકોટ : શાપર (વેરાવળ)માં રહેતી 14 વર્ષની માસુમ સગીર બાળકીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધનાર નરાધમ આરોપી મહાવીર કુપસીંગ ચૌહાણને ગોંડલની પોકસો અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ કેસની વિગત મુજબ ઓગષ્ટ 2021ના સમયગાળામાં રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર (વેરાવળ) મુકામેથી સજા પામનાર આરોપી મહાવીર (મુળ. રહે. નાહરપુરા, સરવીનાં રોજીયાવાસ, તાલુકો બ્યાવર, જીલ્લો અજમેર, રાજસ્થાન) આ ભોગ બનનાર બાળકીને ગઈ તા.25-8-21ના રોજ શાપર(વેરાવળ) જીઆઈડીસી રોડ, હાઉસીંગ સોસાયટીએથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલ અને ભોગ બનનાર બાળકી સાથે ચારેક વખત બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ ભોગ બનનાર બાળકીના પિતાને ભોગ બનનાર બાળકીએ સમગ્ર ઘટનાક્રમની જાણ કરતાં તેઓએ આરોપી મહાવીર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376(2)(એન), 376(3) તથા પોકસો એકટની કલમ 6 મુજબનો ગુન્હો શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો.

આ ગંભીર બનાવ બાદ પોલીસે આરોપી મહાવીર ચૌહાણની ધરપકડ કરેલ. આરોપી સામે ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ધારદાર દલીલોને લક્ષમાં રાખી એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.પી.સિંઘ રાઘવ (સ્પેશ્યલ જજ પોકસો કોર્ટ) એ આ આરોપી મહાવીર ચૌહાણને વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતા.

આ સમાચારને શેર કરો