Placeholder canvas

ક્રિકેટ રમતાં વધુ એકનું મોત: રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ક્રિકેટ રમતાં યુવાનને હાર્ટએટેક આવતાં મોત

રાજકોટ: ક્રિકેટ રમતા લોકો પર કાળ મંડરાય રહ્યો હોય તેમ રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયુરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.45)ને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા હતા. સાથી મિત્રો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મયુરભાઈના મોતથી હોસ્પિટલમાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો હતો.

મયુરભાઈ આજે રવિવારની રજા હોય મિત્રો સાથે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. જોકે ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. આથી સાથી મિત્રો તેને બચાવવા દોડ્યા હતા. બાદમાં તેને સારવાર માટે તુરંત જ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ અહીં મયુરભાઈનો મૃતદેહ જ પહોંચ્યો હતો.

મયુરભાઈ રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતા હતા. તેને કોઈ જાતની બિમારી કે વ્યસન નહોતું. આજે ક્રિકેટ રમતાં રમતાં તેને થોડી ગભરામણ થઈ પણ કોઈને કહ્યું નહીં. તે સ્કૂટર પર બેસી ગયો હતો. બાદમાં અચાનક ઢળી પડ્યો હતો. તેના મિત્રો દોડી આવ્યા અને 108ને જાણ કરી હતી.

શાંતિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 108 મારફત પહેલાં મયુરને ગિરીરાજ હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ ત્યાંથી મયુરને સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ અહીં પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું મયુરના પરિવારમાં તેની પત્ની, એક દીકરો અને એક દીકરી છે. મયુર બે ભાઈમાં મોટો હતો. મયુરના પિતા ગુજરી ગયાને પણ 42 વર્ષ થયા છે. મયુર સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

આ સમાચારને શેર કરો