skip to content

આજે 20 માર્ચ, “ઈંટરનેશનલ ડે ઓફ હેપીનેસ”

➡️ ભૂલવી હોય જો ખુદ કેરી વ્યથા, તો અન્ય કેરા આંસુ લુછી જુઓ

➡️ અબોલ જીવો સાથે દોસ્તી કરવાથી સુખ મળે છે

➡️ સુખ એ ન તો સગવડમાં છે ન તો સમાધાનમાં છે, એ તો ફક્ત સ્વીકારમાં છે

➡️ બીજાને સુખી કરવામાં જ પોતાનું સુખ છે

આજે 20 માર્ચ એટલે “ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ”, આ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2013થી થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 12 જુલાઈ,2012નાં રોજ પોતાના પ્રસ્તાવ 66/281 અંતર્ગત પ્રતિવર્ષ 20 માર્ચનાં રોજ “ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ” મનાવવાની જાહેરાત કરી હતી ત્યારબાદ દુનિયાભરનાં લોકો આ દિવસ ઉજવતા થઈ ગયા છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ લોકોને એ અહેસાસ કરાવવાનો છે કે માત્ર આર્થિક વિકાસ જ જરૂરી નથી પણ લોકોની ખુશી અને સુખાકારી પણ એટલા જ મહત્વનાં છે.

વર્તમાન સમયમાં દરેક જગ્યાએ સમાજમાં ચાલી રહેલા દંભ,વધુ પડતા કામના કારણે સતત તનાવપૂર્ણ રહેતું મન હોવાને કારણે એવા દિવસો આવી ગયા છે કે સમાજને સુખના દિવસો માણવા પડે છે ! ખરેખર તો હેપીનેસ – આનંદ, સુખ માટેનો કોઈ નિશ્ચિત્ત દિવસ હોતો જ નથી,ન જ હોવો જોઈએ. માણસે દરેક પરીસ્થિતિમાં પોતાના મગજનું માનસિક સંતુલન જાળવીને સુખી થવાનો, આનંદિત રહેવાનો પ્રયત્ન સતત કરતો રહેવો જોઈએ. અહીં પ્રશ્ન એ છે કે આપણે સુખ કોને કહીએ છીએ ? વધુ પૈસા, લક્ઝરીયસ લાઈફ, ઉચ્ચ જીવનધોરણ વગેરે કે પછી આત્મસંતોષ ? જો પૈસા જેવી ભૌતિકવાદી વસ્તુઓ જ આપણા સુખનું કારણ હશે તો પછી એવું સમજી લેવું જોઈએ કે આપણે જાતે જ પોતાના સુખની ડોર નસીબને, આસપાસ ચાલતી પ્રવૃતિઓ અને લોકો ને આપી દીધી છે. સ્વના સુખનો, આનંદનો આધાર કોઈ અન્ય પર રહેતો હોય ત્યારે એનો સીધો જ અર્થ થશે કે જે-તે સમય, પરીસ્થિતિ કે માણસ આપણને દુઃખી કરી શકશે. કહેવાય છે કે જેની પાસેથી સુખની અપેક્ષા કરીએ છીએ અજાણતા જ તેને આપણે દુઃખી કરવાનો અધિકાર પણ આપી દઈએ છીએ.  તેને બદલે જો જાત પાસેથી જ સુખી રહેવાની, આનંદિત રહેવાની અપેક્ષા રાખીએ તો ?

વર્તમાન સમયમાં વધતા જતા આધુનિકીકરણ પાછળ લોકોની કંઇક નવું મેળવવાની ઈચ્છાઓ,અપેક્ષાઓ વધી છે જેથી દરેક વ્યક્તિ વધુ કમાવવા અને ઉચ્ચ જીવનધોરણ જીવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને પછી જયારે ઈચ્છા મુજબનું પરિણામ પ્રાપ્ત નથી થતું ત્યારે માનસિક અશાંતિ અનુભવે છે જેથી ઘણી વખત જાતથી હારીને વ્યક્તિ ક્યારેક આત્મહત્યાનાં માર્ગે દોરાય છે જે અત્યંત દયનીય અને અનિચ્છનીય બાબત છે. વર્તમાન સમયમાં એકન્ઝાઈટી જેવો શબ્દ ખુબ ચલણમાં છે. દરેક માણસ નાના મોટા અંશે તેનાથી પીડાય રહ્યો હોય છે. જો તમે અબોલ જીવો સાથે દોસ્તી કરશો તો આ પ્રકારની તકલીફોમાંથી છૂટી શકો છો. તેમની મિત્રતાથી જીવનમાં ક્યારેય નિરાશા નહિ આવે અને તેનાથી સાચો પ્રેમ અને સાચી ખુશી મળે છે.

જો દરેક પરિસ્થીતીમાં આનંદિત રહીને આત્મસંતોષી બનીને જાત પાસેથી સુખની અપેક્ષા રાખીશું તો ઉદાસ કે નિરાશ નહીં રહીએ. આનંદ ક્યારેય ભૌતિકવાદી ચીજોથી પ્રાપ્ત થતો નથી. એ હંમેશા દિલથી પ્રગટે છે. જો આધ્યાત્મિક રીતે સુખની વાત કરીએ તો એ દરરોજ યોગ – પ્રાણાયામ કરવાથી, સારા પુસ્તકો વાંચવાથી, કોઈ કલા સાથે સતત જોડાયેલા રહેવાથી પ્રાપ્ત થઈ શકે છે. વર્ષ 2020માં યુ.એનનાં “વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ” મુજબ વિશ્વમાં સૌથી વધુ સુખી દેશ ફિનલેન્ડને માનવામાં આવે છે ત્યારબાદ ડેન્માર્ક,સ્વીત્ઝ્રરલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે, નેધરલેંડ, સ્વીડન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, લક્સમ્બર્ગ, કેનેડા, ઓસ્ટ્રેલીયાનો ક્રમ આવે છે અને આમાં ભારતનો ક્રમ 144 મો છે. – મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો