Placeholder canvas

ગુજરાત AAPમાં CMનો ચહેરો કોણ હશે? આજે બપોરે પડદો ઉઠશે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બુલેટ ગતિએ બેઠકો કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે, એટલે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી છે. પરંતુ કોંગ્રેસ અને AAP માટે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે નક્કી કરવા લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પરંતુ તેમ છતાં આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો કોણ હશે તે જાહેર કરશે. અમદાવાદમાં આજે બપોરે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે. 

તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં આવશે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે અમદાવાદમાં આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે બપોરે 12.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ આજે બપોરે 2:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચેહરાની ઘોષણા કરશે. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ શુક્રવારે ગુજરાતની જનતાનો મિજાજના આધારે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

આ સમાચારને શેર કરો