Placeholder canvas

હનીટ્રેપમાં વોન્ટેડ આરોપી ઈમ્તિયાઝ જૂનાગઢથી ઝડપાયો

રાજકોટ : રાજકોટમાં રહેતા નટુભાઈ સોજીત્રા અને તેના બે સીનીયર સીટીઝન મિત્રોને હનીટ્રેપમાં ફસાવી, મોટી રકમનો તોડ કરવા અને તેમાં સફળતા ન મળે તો ગેંગરેપની ફરિયાદ નોંધાવી તેને રદ્દ કરાવવાના બદલામાં સમાધાન હેઠળ મોટી રકમનો તોડ કરવાનો ગંભીર પ્રકરણમાં વોન્ટેડ આરોપી ઈમ્તીયાઝ ઈબીબભાઈ દલ(ઉ.વ.34)(રહે. સાંબલપુર, તા.જુનાગઢ) ને રાજકોટના આઈયુસીએડબલ્યુ યુનિટના સ્ટાફે જુનાગઢથી ઝડપી લીધો છે.

આ પ્રકરણમાં ફરિયાદી અને તેના બંને મિત્રો પાસેથી સમાધાન માટે આરોપીઓએ રૂા.30 લાખની માંગણી કરી હતી. બાદમાં 4 લાખ લેવા માટે તૈયાર થઈ રૂા.25 હજાર પડાવ્યા હતા. જે અંગે ઈમ્તીયાઝ ઉપરાંત રજાક ઈકબાલ હાલેપોત્રા, નુરમાબેન ઈકબાલ સીપાઈ અને અનિતા કાંતીલાલ શીંગાળા સામે ગુનો નોંધાયો હતો.

જેમાંથી અગાઉ અનિતા, નુરમાબેન સિપાઈ અને રજાક હલેપોત્રાની પીએસઆઈ એ.જે.લાઠીયા અને ટીમે ધરપકડ કરી હતી. હાલ આ ત્રણેય આરોપીઓ જેલમાં છે. વોન્ટેડ આરોપી ઈમ્તીયાઝ અંગે ચોક્કસ બાતમી મળતા તેને જુનાગઢથી ઝડપી લેવાયો હતો.તેના વિરૂધ્ધ જુનાગઢ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પોલીસમાં લૂંટ, ગુનાઈત કાવતરૂ, ચોરી સહિતના ચાર ગુના નોંધાયેલા છે.

આ સમાચારને શેર કરો