Placeholder canvas

રાજકોટના ઢેબરરોડ પરથી યુવકનું અપહરણ…

રાજકોટ : રાજકોટમાં ઢેબરરોડ પરથી સાંજનાં સમયે રાજસ્થાનનાં એક યુવાનનું એક કારમાં ધસી આવેલા પાંચેક શખ્સોએ અપહરણ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસ બનાવનાં સ્થળે ધસી ગઈ હતી અને અપહરણકારોનાં કબ્જામાંથી અપહૃત યુવાનને છોડાવવા ટીમો દોડાવી હતી અને ચોટીલાથી અમદાવાદ તરફનાં હાઈ- વે પરથી અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા હતા અને અપહૃત યુવાનને તેના કબ્જામાંથી છોડાવવામાં આવ્યો હતો. ભક્તિનગર પોલીસે ચાર શખ્સોને પકડી તેમની પૂછપરછ કરી હતી.

સમગ્ર ઘટના અંગે શ્રમજીવી સોસાયટીમાં રહેતા અલ્પાબેન વિલેશભાઇ નરશીભાઇ પરમાર(કડીયા) (ઉ.વ.39)એ પોતાની પોલીસ ફરિયાદમાં રાજસ્થાનના રાજેશ જોશી અને મનીષ પંડ્યા તેમજ અજાણ્યા શખ્સોનું નામ આપતા તેઓ સામે અપહરણ અને પૈસા પડાવવા અંગેની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.અલ્પાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રાજકોટમાં મારા માતા પિતા સાથે રહુ છુ અને ઘરકામ કરૂ છુ.મારા પતિ કડીયા કામ કરે છે.તેઓ સાથે મારા બીજા લગ્ન છે.મારે અગાઉના લગ્ન સંસારમાં એક દિકરી એક દિકરો ઇથન છે.વિલેશ સાથે પાંચ વર્ષ પહેલા મે લગ્ન કરેલ છે

અને ત્યારથી હું મારા દિકરી તથા દિકરા સાથે સુરત પતિ વિલેશ સાથે રહેતી હતી. પરંતુ છેલ્લા દોઢેક મહીનાથી સુરતમાં મારા પતિ વિલેશને કડીયા કામ બરાબર ચાલતુ ન હોય અને મારા પરીવારના રાજકોટના હોય જેથી અમે અહી રાજકોટમાં રહેવા આવી ગયા હતા.અમે સુરત સહકાર બંગ્લોઝમાં રહેતા હતા.ત્યારે આગળની શેરીમાં રહેતા મનિષભાઇ બાલકૃષ્ણભાઇ પંડયા જેઓ ટુર્સ પેકેઝીંગને લગતો વ્યવસાય કરતા હોય આઠેક મહીના પહેલા મારા પતિ પાસે તેઓ આવેલ હતા અને આ મનિષભાઇને રૂ.2.5 લાખ ની જરૂરીયાત હોય અને આ રૂપીયાના બદલામાં તેઓ તેમની પાસેથી કીયા કાર ગીરવે મુકવાની વાતચીત કરેલ હતી.

ત્યારે મારા પતિએ આ મનિષભાઇ ને કહેલ કે આ કાર કોના નામે છે તેના માલીક કોન છે ત્યારે મનિષભાઇએ મારા પતિને જણાવેલ હતુ કે આ કાર હુ રાજસ્થાનના રાજેશભાઇ જોષી પાસેથી રૂ.8 લાખ માં ખરીદી લાવ્યો છું. અત્યારે મારે રૂપીયાની જરૂરીયાત છે જેથી મારે આ કાર ગીરવે મુકીને રૂપીયા જોઇએ છે . આમ વાત કરી આ મનિષભાઇ સફેદ કલરની કીયા કાર મારા પતિને ગીરવે મુકી ગયેલ હતા અને મારા પતિએ મનિષભાઇને રૂ.2.5 લાખ આપેલ હતા . ત્યારબાદ આ કાર લઇ હું તથા મારા પતિ અમે રાજકોટ આવેલ અને અહી રાજકોટ મારા પતિના મીત્ર વિપુલભાઇ ગણેશભાઇ ગોસાઇ જેનુ ઢેબર રોડ ઉપર શીવ ઓટો ગેરેજ આવેલ છે. તેઓને ત્યા કાર અમે મુકેલ હતી.અમે આ કાર ચલાવતા ન હતા . અને ત્યાજ રાખી દિધેલ હતી. આ બનાવની વધુ વિગતો અનુસાર,પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અપહરણનો આ બનાવ ગાડીની લે વેચમાં પૈસાની લેતીદેતીનાં કારણે બન્યો હોવાનું બહાર આવ્યુ છે.રાજસ્થાનથી પાંચ – છ શખ્સો ગાડીનાં પૈસા લેવા રાજકોટ આવ્યા હતા અને વિલેશ પરમાર (ઉ.વ.40) નું અપહરણ કરાયુ હોવાનું બહાર આવ્યુ છે.આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોએ જણાંવ્યુ હતું કે આજે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ ઢેબર રોડ પરનાં ગેરજપર રાજસ્થાનનાં વિલેશ પરમાર હતા

ત્યારે રાજસ્થાનના જ કેટલાક શખ્સોએ કારમાં ધસી આવી વાહનનાં પૈસાની બાબતમાં માથાકૂટ કર્યા બાદ કારમાં અપહરણ કરીને ભાગ્યા હતા.દરમિયાન ઘટનાની જાણકારી મળતા જ ભકિતનગર પોલીસની ટીમે અપહૃત યુવાનને છોડાવવા ટીમો દોડાવી હતી. બાતમી પરથી રાજકોટ પોલીસની ટીમે અંતે ચોટીલા નજીક અમદાવાદ હાઈ વે પરથી રાત્રે અપહરણકારોને ઝડપી લીધા હતા અને તેના કબ્જામાંથી રાજસ્થાની યુવાનને છોડાવ્યો હતો.

આ સમાચારને શેર કરો