પતિનું 3 વર્ષ પહેલા અવસાન થયું વિધવા સગર્ભા થઈ…!!!
ગોંડલના હડમતાળામાં વાડીમાં ખેતમજૂરી કરતી વિધવાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વિધવાને બે માસનો ગર્ભ હોવાનું નિદાન થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

હડમતાળામાં કલ્પેશભાઇ રજપૂતની વાડીમાં દિયર સાથે એક વર્ષથી રહેતી વિધવા સુશીલા પીન્જુભાઇ પરમાર (ઉ.વ.19)ને શનિવારે સાંજે પોતે વાડીએ હતી ત્યારે પેટમાં દુખાવો ઉપડતાં તેને ગોંડલ બાદ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ નિદાન કરતાં સુશીલા પરમારના પેટમાં બે માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું.
સુશીલાને હોસ્પિટલે લઇ આવનાર તેના દિયર ભદિયાભાઇએ તબીબો સમક્ષ કહ્યું હતું કે, સુશીલા તેના ભાભી છે અને તેના ભાઇ પીન્જુ પરમારનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. વિધવા સુશીલા સગર્ભા બની હોવાનું સ્પષ્ટ થતાં તબીબોએ આ મામલે પોલીસમાં જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ રાજકોટ હોસ્પિટલે દોડી આવી હતી. સુશીલા અર્ધબેભાન હોય પોલીસ તેનું નિવેદન નોંધી શકી નહોતી. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, પીન્જુ પરમારનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયા બાદ સુશીલા એક વર્ષથી તેના દિયર ભદિયાભાઇ સાથે રહેતી હતી અને ભદિયાએ વિધવા ભાભી સાથે દિયરવટુ (લગ્ન) કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જોકે સુશીલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેના પતિ તરીકે પીન્જુ પરમારનું નામ દર્શાવવામાં આવ્યું હોય પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી. સુશીલા ભાનમાં આવ્યે તેની પૂછપરછ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.