Placeholder canvas

રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી કહેર બની ત્રાટકી, 6 લોકોના મોત, 15 ઈજાગ્રસ્ત

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી કહેર બનીને ત્રાટકી છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વીજળી પડતા 6 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે. ઉપરાંત 15 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યભરમાં વાતાવરણ પલટાયું છે અને મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. દરમિયાન રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી પડવાના કારણે 6 લોકોના મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. બરવાડાના હેબતપુરામાં, અમરેલીના રોહીસામાં, કડીના શિયાપુરામાં, બનાસકાંઠાના મોરખીમાં, ઈડરના કાસબો ગઢામાં તેમજ ચુડાના ભાણેજડામાં 1-1 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. રોહીસામાં સગીરનું તો કાસબો ગઢામાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે વીજળી પડવાના કારણે બારડોલીના મઢીમાં 8 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે સમી હરીપુરામાં 4, ગીર ધાવામાં 1 વ્યક્તિને ઈજા થઈ છે. જ્યારે સોમનાથમાં મંડપ ધરાશાયી થતાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રાજ્યમાં ચારેકોર કમોસમી માવઠુ પડી રહ્યું છે. ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.

આ સમાચારને શેર કરો