Placeholder canvas

આયુષ્યમાન કાર્ડ હેઠળ આજથી 10 લાખ સુધીની સારવાર કરાવી શકાશે.

ગુજરાતના 1.79 કરોડ આયુષ્યમાન કાર્ડધારકો માટે રાજ્ય સરકારે ‘રાહતરૂપ’ જાહેરાત કરતા કાર્ડ હેઠળ મેળવવાની થતી સારવારની રકમ પાંચ લાખથી વધારી દસ લાખ રૂપિયા કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે હવેથી દર્દીઓ હૃદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સ્પ્લાન્ટની સાથે સાથે કોક્લીયર ઈમ્પ્લાન્ટ સહિતની જટિલ સર્જરીઓ કાર્ડ અંતર્ગત કરાવી શકશે જેના કારણે તેમના ઉપર કોઈ પ્રકારનું આર્થિક ભારણ આવશે નહીં.

દરમિયાન આજે ગાંધીનગર ખાતે બજાજ ઈન્સ્યોરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્ય મંત્રીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વખતે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ.રેમ્યા મોહન અને આયુષ્યમાન યોજના સાથે સંકળાયેલા ડૉ.જૈન, ડૉ.આનંદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત બાદ આરોગ્ય મંત્રીએ સત્તાવાર રીતે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રૂા.10 લાખની વીમા સહાયનો પ્રારંભ કરાવ્યો હતો. દસ લાખ રૂપિયાની મર્યાદા થઈ જવાથી દર્દીઓ હવે હૃદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઈમ્પ્લાન્ટ સહિતની અન્ય જટિલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત કરાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્યમાન કાર્ડથી 2027 જેટલી સરકારી, 803 જેટલી ખાનગી તેમજ 18 જેટલી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલો મળી કુલ 2848 હોસ્પિટલોમાં સારવાર મેળવી શકાય છે. આ યોજનાનો પ્રારંભ 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યો હતો. યોજનાનો પ્રારંભ થયો ત્યારે બે લાખની સહાય મળતી હતી જેમાં 2014માં વધારો કરીને ત્રર લાખ કરાઈ હતી. આ પછી 2018માં કાર્ડમાં સારવારની મર્યાદા પાંચ લાખ કરવામાં આવી હતી જેમાં આજે બમણો વધારો એટલે કે દસ લાખ રૂપિયા થઈ જતાં કરોડો લોકોને તેનો ફાયદો મળશે.

આ સમાચારને શેર કરો