skip to content

મહુવામાં કાર-ટ્રકના અકસ્માત બાદ કારમાં લાગેલી આગની જ્વાળામાં યુવક જીવતો હોમાયો.

અનેક પ્રયાસો બાદ પણ દરવાજો ન ખૂલતાં અંતે ચાલકનું કંકાલ જ મળ્યું

ભાવનગર જિલ્લામાં મહુવા પાસે આજે એક અકસ્માતની દર્દનાક ઘટના બની હતી. મહુવાના વડલી-નેસવડ રોડ પરની આ ઘટના હોવાનું મનાય છે, જેમાં ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતાં તેનો ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ દરવાજા ખૂલી ન શકતાં કારમાં સવાર એક વ્યક્તિ આગમાં ખાખ થઈ જતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યાં હાજર લોકોનાં રુવાંટાં ઊભાં થઈ જાય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.

આ ઘટના કંઈક આઇવી છે કે હાઈવે પર મહુવા તરફથી જતી કાર અને ભાવનગર તરફથી આવતું કેમિકલ ભરેલું ટેન્કર એકાએક ધડાકાભેર અથડાયું હતું, જ્યાં કાર મહાકાય ટ્રક સાથે અથડાતાં કારનો કૂચો બોલી ગયો હતો. એ બાદ કારમાં કોઈ કારણસર આગ લાગતાં ડ્રાઈવર કાર સાથે આગમાં બળવા લાગ્યો હતો. લોકોના કહેવા પ્રમાણે કારમાં આગ લાગતાંની સાથે ડ્રાઈવરે કારમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ કારનો દરવાજો અથવા કાચ કોઈ કારણસર ના ખૂલતાં યુવક આગમાં હોમાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ કારમાંથી ફક્ત યુવકનું કંકાલ જ મળ્યું હતું. હાલ આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ભોગગ્રસ્ત કોણ છે એની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો