Placeholder canvas

આજે ઉમંગ-ઉત્સાહથી દિવાળી પર્વ ઉજવાશે

કાલે ધોકાનો ધોખો છોડીને લોકો આનંદોત્સવ ઉજવશે ગ્રીટીંગ્ઝ કાર્ડ, રૃબરૂ સાલમુબારક બાદ ફટાકડા ફોડવાનું પ્રમાણ ક્રમશઃ ઘટાડો જ્યારે દિવાળી પૂજન, સુશોભન, દેવદર્શન, મિઠાઈ,હરવું-ફરવું યથાવત્ રહ્યું

આજે વિક્રમ સંવંત 2079 નો અંતિમ દિવસ, આસો વદ અમાસ, દિપાવલી પર્વ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે દિવડાં, રંગોળી, સુશોભન, રોશનીના શણગારથી આનંદ અને ઉમંગનો માહૌલ છવાયો છે. આજથી સરકારી કચેરીઓમાં પણ પાંચ દિવસની રજાનો પ્રારંભ થવા સાથે લોકો સપરિવાર દિવાળી પર્વની ઉજવણીમાં જોડાશે.

દિવાળી પછી ધોકો છે પણ તેનો ધોખો કર્યા વગર લોકોના આનંદોત્સવને કોઈ બ્રેક લાગશે નહીં. દિપાવલીની આખી રાત આનંદથી ઉજવ્યા બાદ સવારે દેવદર્શન સહિતનો ક્રમ યથાવત્ જળવાશે.

મોબાઈલ ફોન અને તેમાંય સ્માર્ટ ફોન લગભગ તમામ લોકો સુધી પહોંચી જતા તેના પગલે દિપાવલી અભિનંદન કે સાલ મુબારકના ગ્રીટીંગ્ઝ કાર્ડ પણ હવે મોબાઈલમાં મોકલાય છે. માત્ર નૂતન વર્ષના અભિનંદનને બદલે હવે એકાદશી, ધનતેરસ, કાળી ચૌદશ સહિત તમામ દિવસોએ આ અભિનંદનનો મારો મોબાઈલ ફોન પર ચાલે છે. આ સાથે રૃબરૂ પરંપરાગત વડીલોને સાલ મુબારક કહેવા જવાનું ચલણ પણ ઘટયું છે અને બે-ત્રણ વર્ષથી ફટાકડાથી પ્રદુષણ,દાઝી જવાનો ખતરો અને ફટાકડા ઉપર અનેકવિધ પ્રતિબંધોના પગલે તેનું પ્રમાણ પણ ક્રમશઃ ઘટી રહ્યું છે.

પરંતુ, કોમ્પ્યુટર યુગ છતાં ચોપડા પૂજન, ભગવાન ગણેશ,લક્ષ્મીજી, સરસ્વતીજી ઉપરાંત ઈષ્ટદેવતા,કુબેર વગેરેના પૂજનનું મહત્વ વધ્યું છે અને યુવા વર્ગ પણ આ પૂજનમાં જોડાય છે. જેના પગલે ફૂલ વેચવાવાળાને ત્યાં તડાકો પડયો હતો ઉપરાંત શ્રીફળ , ફળો સહિત પુજાપાની વસ્તુઓની માંગ પણ જોવા મળે છે.આ જ રીતે દિવાળીએ નવા નવા વસ્ત્રો પહેરીને હરવું ફરવૂું, હેલ્થ કોન્સિયસ લોકો દ્વારા ભીડમાં પરવાને બદલે મોકળી જગ્યાએ જવું કે ગામડે કે ખેતરે જવુ, મનભાવન વાનગીઓ આરોગવી, બજારૂ ચટાકેદાર ચીજો પણ ખાવી વગેરેનું ચલણ યથાવત્ રહ્યું છે.

આ સમાચારને શેર કરો