135 લોકોના જીવ લેનાર મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ…
મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે અને આજે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારોમાંથી ઘણા લોકો ત્યાં હાજરી આપવા પહોંચ્યા છે. આ ઘટનામાં આરોપી અધિકારી હોય કે પછી જયસુખભાઇ પટેલ જે કોઇપણ હોય તેને આકરી સજાની ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશનના સભ્યો માંગ કરી રહ્યા છે.
હજુ 135 મૃતકોને હજી ન્યાય મળ્યો નથી. 135 થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે. આજે ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. ત્યારે ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશન દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આજે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીથી સ્વજન ગુમાવનારા પરિવારમાંથી ઘણા લોકો જોડાયા છે અને આ ઘટના માટે જવાબદાર જે કોઇ હોય તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે.
મોરબીમાં બરાબર એક વર્ષ પહેલા તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, ઝુલતા પુલ ઘટનામાં ન્યાય માટે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન બનાવવામાં આવ્યું છે અને તેના વકીલ દ્વારા મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં કયદાકીય જંગ લડવામાં આવી રહ્યો છે. આજથી એક વર્ષ પહેલા ઝુલતા પુલ દુર્ઘટનામાં જે પરિવારોએ તેના કુલ મળીને 135 સભ્યોને ગુમાવ્યા છે તે પરિવારોને સંતોષકારક ન્યાય ક્યારે મળશે તે આજે પણ મોટો સવાલ છે. આ ગોઝારી દુર્ઘટનાને એક વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી ગયો છે તેમ છતાં પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ તે હજી સ્પષ્ટ થયું નથી અને પરિવારોને ન્યાય મળ્યો નથી, પરિવારના સભ્યો ગુમાવનાર લોકોની આંખો આજે પણ સુકાતી નથી.