વાંકાનેર: મેસરીયા ચેકપોસ્ટ પાસેથી ચાર કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ ઝડપાયા
વાંકાનેર : મોરબી એસઓજી અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી મેસરીયા ચેકપોસ્ટ નજીકથી ચાર કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોને સીએનજી રિક્ષામાંથી દબોચી લીધા હતા.
આજરોજ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ જે.એમ.આલ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જી.પનારા તથા સ્ટાફે મેસરીયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાઉન્ડ્રી તરફથી આવતી સીએનજી ઓટો રીક્ષા નં. GJ-36-U-6417 અટકાવી તલાસી લેતા વાંકાનેર અમરનાથ સોસાયટીમાં રહેતા જાદવ ઉર્ફે ભીમાભાઇ રામાભાઇ મુંધવા, મૂળ મધ્યપ્રદેશ નાગદાના અને હાલમાં લાલપર રહેતા રાજુભાઇ રતનભાઇ શર્મા તથા રફાળેશ્વર આરોગ્યનગરના બળદેવભાઇ વિરમભાઇ ગમારાના કબ્જામાંથી ચાર કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂ.40 હજાર મળી આવ્યો હતો.
આ ઉપરાંત પોલીસે ત્રણેય આરોપીઓના કબજામાથી રોકડ રૂપિયા 12,500, મોબાઇલ ફોન નંગ-2, કિંમત રૂપિયા 6000 તથા કાળા કલરનો થેલો અને સીએનજી રીક્ષા કિંમત રૂપિયા 60,000 મળી કુલ રૂ.1,18,500નો મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા માટે આરોપીને સોંપેલ છે.