Placeholder canvas

મોરબીમાં ઝડપાયેલા ડ્રગ્સ વિશે ચોંકાવનારી વિગતો આવી સામે

ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATS ની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા.

દેવભૂમિદ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ATS એ પાકિસ્તાનથી મગાવાયેલા 120 કિલો હેરોઈનના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેની કિંમત 600 કરોડથી વધુ અંદાજવામાં આવી રહી છે. આ આરોપીની Excusive તસ્વીરો સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATS ની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. જે શખ્સોની ધરપકડ કરાઈ છે તેમાં ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારનો સમાવેશ થાય છે. જેમાં ગુલાબ હુસૈન જામનગરના સલાયાનો રહેવાસી છે. અને મુખ્તાર જબ્બાર જામનગરના જોડિયાનો રહેવાસી છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગુલાબ અને મુખ્તારે પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસની ધોંસ વધતાં મોરબીના અંતરિયાળ ગામના મકાનમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું. ગુલામ, જબ્બાર અને ઇસા રાવે પાકિસ્તાનના ઝાહીદ બસિર બલોચ પાસેથી દરિયાઇ માર્ગે ડ્રગ્સ મગાવ્યું હતું. જે પહેલા દેવભૂમિદ્વારકાના કોઇ દરિયાકાંઠે રાખ્યું હતું.

ત્યાંથી બાય રોડ મોરબીના ઝીંઝુડા લાવ્યા હતા. જ્યાં શમસુદ્દીનના મકાનમાં ડ્રગ્સ રાખવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે જબ્બાર અને ગુલામ અવારનવાર દુબઇ જતા હતા. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે દુબઇમાં બેઠકો પણ કરતા. હેરોઈનના આ જથ્થાના તાર ગુજરાત બહાર પણ હોવાનું સામે આવ્યું છે. જે બાબતે કેન્દ્રની એજન્સીઓને જાણ કરાઈ છે.

આરોપીઓમાંથી ગુલાબ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું. કોઈક કારણોસર ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ પ્રથમ સલાયા લાવવામાં આવ્યું હતું. ત્યાંથી ડ્રગ્સ મોરબી લાવવામાં આવ્યું હતું. મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે.

આરોપીઓ વારંવાર દુબઈ જતા હોવાનું સામે આવ્યું છે. ત્યાં ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશિર બ્લોચ પાસેથી આવ્યું હોવાની જાણકારી આપી છે. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો.

ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જથ્થાની ડિલિવરી મધદરિયેથી થઇ હતી. ત્યાંથી દ્વારકાના સલાયામાં આ જથ્થાને સંતાડી દેવાયો હતો. સલાયાથી મોરબીના ઝીંઝુડા ગામમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું. ત્યાં આરોપી સમસુદીન સૈયદના નવા બની રહેલા ઘરમાં ડ્રગ્સ રાખવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો