Placeholder canvas

મજૂરો ભરીને જતા ટ્રેક્ટર પર આખેઆખો ટ્રક ચડી ગયો, બેનાં મોત, 15 ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના અખિયાણા ગામ નજીક મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખો ટ્રક ચડી જતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે ટ્રેક્ટરમાં સવાર 15 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. એક મજૂર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં મજૂરોની ચિચિયારીથી હાઇવે ગુંજી ઊઠ્યો હતો.

પાટડી તાલુકાના માલવણ હાઇવે પર અખિયાણા ગામ નજીક મજૂરો ટ્રેકટર લઈને મજૂરીકામ અર્થે ખેતરે જઈ રહ્યા હતા, એ સમયે સામેથી માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રકનો ટ્રેકટર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, 15થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા.

બજાણા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. બજાણા પોલીસ અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો