Placeholder canvas

દ્વારકાનો દરિયો ગાંડોતૂર: વાવાઝોડું નજીક આવતા 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં, સવારથી જ ભારે પવન સાથે વરસાદ ચાલુ…

અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 5 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, વાવાઝોડાએ દિશા બદલી નથી. હજુ ગુજરાત તરફ જ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. આજે દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી દ્વારા લોકોને સલામતરીતે ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી છે.

ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે. કાલ સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પ્રતિકલાક 150 કિલોમીટરની રફ્તારથી પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં દરિયા કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ આજે જામનગર અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ
વાવાઝોડું દ્વારકાની નજીક પહોંચતા જ દ્વારકાનો દરિયો ગાંડોતૂર થયો છે. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ દ્વારકાવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે. તંત્ર દ્વારા અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધી દ્વારકા જિલ્લામાં લગભગ સાત હજાર લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી લઈ જઈને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યાં છે. એમ્બ્યુલન્સ, એસટી બસો, એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમને ખડેપગે રખાઈ છે. જેથી કરીને પવન અને વરસાદમાં વધારો જણાય તો લોકોને પૂરતી મદદ આપી શકાય. સેવાકીય સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટની તૈયારી કરી રાખવામાં આવી છે. જગત મંદિરની અંદર હજારોની સંખ્યામાં ભીડ હોય છે, જેના બદલે આજે જગત મંદિરનું પરિસર સુમસામ જોવા મળ્યું હતું. અત્યાર સુધી કોઈ જાન માલની નુકસાની થઈ નથી.

આ સમાચારને શેર કરો