Placeholder canvas

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 40થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે

રાજ્યમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે જ્યારે અમદાવાદમાં સાંજે કે રાત્રે સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. આજે 14મી જૂને રાજ્યમાં વાવાઝોડા પ્રભાવિત સંભવિત વિસ્તારોમાં 87 કિમી સુધીની ઝડપે પવન ફંકાશે. જ્યારે અન્ય વિસ્તારોમાં 40થી લઈને 70 કિમી સુધીની ઝડપે પવન ફંકાવાની શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 મીમીથી લઈને 5 ઈંચ સુધી વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા આંકડા મુજબ રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો 1 મીમી વરસાદ ભાવનગર, ગારીયાધાર, પારડી, નડિયાદ અને શંખેશ્વર ખાતે નોંધાયો છે. આ સિવાય દ્વારકામાં 92 મીમી, કલ્યાણપુરમાં 70 મીમી, ઉપલેટામાં 69 મીમીજામજોધપુરમાં 65 મીમી, મેંદરડામાં 64 મીમી, જૂનાગઢમાં 58 મીમી, પોરબંદરમાં 54 મીમી, વંથલીમાં 50 મીમી, માંડવી(કચ્છ)માં 49 મીમી, ભાણવડ અને સાવરકુંડલામાં 46 મીમી, જૂનાગઢ(શહેર)માં 44 મીમી, ખાંભામાં 43 મીમી, લાલપુરમાં 42 મીમી અને ધોરાજીમાં 41 મીમી વરસાદ નોંધાયો છે.

આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
આજે 14મી જૂને સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, દેવભૂમિદ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની વરસાદ વરસશે. આ ઉપરાંત રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે મોરબી અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે. જ્યારે પોરબંદર, દ્વારકા, કચ્છ, રાજકોટ,જામનગર, જૂનાગઢ, મોરબી અને ગીરસોમનાથના કેટલાક ભાગોમાં મધ્યમથી સામાન્ય વરસાદ થશે.

આ સમાચારને શેર કરો