વાંકાનેર: પંચાશીયામાં ખૂની ખેલનું કારણ ‘દીકરી ભગાડી જવાની વાતો’
વાંકાનેર: પંચાસીયા ગામે ગતરાત્રે દેવીપુજક પરિવારમાં અંદરો અંદર ઝઘડો થયો હતો અને એ ઝઘડો મર્ડર સુધી પહોંચ્યો હતો. આ થયેલા મર્ડર પ્રકરણમાં એવી હકીકત સામે આવી છે કે… બારોબાર દીકરી ભગાડી જવાની વાતો કરતા કુટુંબીઓ વચ્ચે બોલાચાલી થઇ હોય અને મામલો મારામારી સુધી પહોચતા સાત જેટલા લોકોને ઈજા પહોચી હતી જેમાં એક યુવાનનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતા જેતીબેન વલ્લભભાઈ કોઢીયા (ઉ.૫૦) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ગામનો બાલુભાઈ લાભુભાઈ કોઢીયા, જેતીબેનના દિયર બાબુભાઈ નરશીભાઈની દીકરી ભગાડી જવી છે તેમ બારોબાર વાતો કરતો હોય જે બાબતે બાલુભાઈ લાભુભાઈ તથા દિયર બાબુભાઈ નરશીભાઈને બોલાચાલી ઝધડો થયેલ હોય જેમાં જેતીબેનના પતિ વલ્લભભાઈ એ વચ્ચે પડી ઝધડો ન કરવા સમજાવતા બાલુભાઈ લાભુભાઈ કોઢીયાને સારું નહિ લાગતા વલ્લભભાઈને ગાળો આપતા ફરિયાદી જેતીબેનએ ગાળો આપવાની નાં પાડતા બાલુભાઈ પાસે રહેલ કુહાડીથી ફરિયાદી જેતીબેનને ડાબા ખંભામાં ઘા મારતા નીચે પડી ગયા હતા.
જેથી તેનો દીકરો રાજુ વચ્ચે પડતા બાલુભાઈને પકડી લેતા કુહાડી નીચે પડી જતા બાલુભાઈએ પોતાના પાસે રહેલ છરી વડે રાજુને બે ત્રણ ધા પડખામાં મારી તથા વલ્લભભાઈ અને સંજય તથા દિયર બાબુભાઈ અને રાજુની પત્ની રસીલાબેન તથા ભત્રીજા હરેશભાઈ એમ બધા વચ્ચે પડતા બાલુભાઈએ છરી મારી દીધી હતી.
આ ઉપરાંત આરોપી દુધીબેન લાભુભાઈએ રાજુની પત્ની રસીલાબેનને લાકડી વડે માર માર્યો હોય અને લાભુભાઈએ ફરિયાદી જેતીબેનને લાકડી વડે માથામાં એક ઘા મારીને તેના દીકરા સંજયને માર મારેલ હોય જે બનાવમાં રાજુ વલ્લભભાઈ કોઢીયા (ઉ.૨૬) નું મૃત્યુ નીપજ્યું હતું.
તેમજ ફરિયાદી જેતીબેન, તેનો દીકરો સંજય અને મૃત્યુ પામનાર રાજુભાઈની પત્ની રસીલાબેનને સારવાર વાંકાનેર ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ઈજાગ્રસ્ત વલ્લભભાઈ, બાબુભાઈ અને ભત્રીજા હરેશને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે
આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપી બાલુભાઈ લાભુભાઈ કોઢીયા, લાભુભાઈ ભલુભાઈ કોઢીયા અને દુધીબેન લાભુભાઈ કોઢીયા સામે આઈપીસી કલમ ૩૦૨,૩૦૭,૩૨૩,૩૨૪,૧૧૪ તથા જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લી બિનસત્તાવાર માહિતી…
વધુમાં જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રીફર કરવામાં આવેલ બે વ્યક્તિને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી. બિનસત્તાવાર મળેલી માહિતી મુજબ તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આમ આ પ્રકરણમાં મરણ નો આંકડો 2 પર પહોંચ્યો છે. હજુ એક વ્યક્તિ સિરિયસ હોવાની ચર્ચાઓ થઈ રહી છે.