Placeholder canvas

ડૉક્ટરોએ કરી કમાલ: કપાયેલું ગુપ્તાંગ ફરી જોડી દીધુ..!!

રાજકોટ : વર્તમાન ટેકનોલોજીમાં યુગમાં અદ્યતન મશીનરી-સાધનોની મદદથી આરોગ્ય ક્ષેત્રની જટીલમાં જટીલ સર્જરી તબીબોએ સફળતાપૂર્વ પાર પાડી રહ્યા છે. તેવા સમયે ગુજરાતમાં સૌ પ્રથમવાર તબીબી આલમ માટે પડકારરૂપ જટીલ સર્જરીને રાજકોટનાં જાણીતા તબીબોએ સફળતાપૂર્વક પાર પાડી છે. સોમનાથ-વેરાવળ પંથકનાં યુવાનની કપાયેલી ઇન્દ્રિયને ફરી શરીરમાં મુળ જગ્યાએ જોડી દર્દીને આજીવન રહેનાર શારિરીક ખામીને દૂર કરવામાં સફળતા મેળવી છે. આ સર્જરી તબીબી જગતમાં સિમા ચિહનરૂપ બની છે.

તાજેતરમાં સોમનાથ-વેરાવળનાં 21 વર્ષીય યુવાનનું કોઇ અગમ્ય કારણોસર યુવતીનાં સગાઓએ ઇન્દ્રિય કાપી નાખી શરીરથી અલગ કરી જઘન્ય કૃત્ય આચરી યુવાનને લોહી-લુહાણ હાલતમાં છોડી દીધો હતો. યુવાનના પરિવારજનો દ્વારા તાત્કાલીક રાજકોટની યુરોકેર કિડની હોસ્પિટલના તબીબોનો સંપર્ક કરી ઇન્દ્રિયને જોડી આપવા વિનંતિ કરતા તબીબો દ્વારા તાત્કાલીક આવી જવાનું કહેતા દર્દી સાથે કપાયેલ ઇન્દ્રિયને બરફમાં મુકી પરિવારજનો હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતાં. યુરોકેર કિડની હોસ્પિટલમાં યુવાન દર્દી પહોંચે તે પહેલા તબીબોએ ઓપરેશનની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં દાખલ થતાં જ યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. જીગેન ગોહેલ, ડો. પ્રતિક અમલાણી, ડો. ધૃતિ કલસરીયા તથા લોહીની નળીનાં પ્લાસ્ટીક સર્જન ડો. ભાયાણી, ડો. ભાલોડીયા, એનેસ્થેસિયાલોજીસ્ટ ડો. હિતેશ ભીમાણીએ ઓપરેશન હાથ ધર્યું હતું. છ કલાકની મહેનતનાં અંતે ઓપરેશન પાર પાડ્યું હતું. પરિણામે ઇન્દ્રિયમાંથી પેશાબ સાથે ઇન્દ્રિય ઉત્થાન પુન: કાર્યરત થઇ હતી. કપાયેલ ઇન્દ્રિયનું જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા સાથે કપાયેલ ઇન્દ્રિય શરીરમાં ફરી મુળ સ્થાને કાર્યરત થતાં યુવાન દર્દીને આજીવન રહેનારી શારિરીક ખામી દૂર થતા દર્દી અને પરિવારજનોએ તબીબો અને હોસ્પિટલ પરિવાર સ્ટાફનો આભાર માન્યો હતો.

આ સમાચારને શેર કરો