Placeholder canvas

જયસુખને ઝટકો: સુપ્રિમ કોર્ટે જામીન અરજી ફગાવી

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં મહિનાઓથી જેલવાસ ભોગવી રહેલા ઓરેવા કંપનીના વડા જયસુખ પટેલની મુક્તિ સુપ્રિમ કોર્ટે પણ નકારી કાઢી હતી. જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દઈને સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટમાં પેન્ડીંગ અરજીના ચુકાદા સુધી પ્રતિક્ષા કરવાનું સૂચવ્યું છે. મોરબીમાં 2022ના દિવાળી- નવા વર્ષના તહેવારોમાં જ 135 લોકોનો ભોગ લેનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જામીન પર મુક્ત થવા જયસુખ પટેલ એક પછી એક કાનુની જંગ ખેલી રહ્યા છે.

પરંતુ સફળતા મળતી ન હોય તેમ અદાલત દ્વારા માંગ ફગાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનાકાંડમાં વિવિધ કલમો હેઠળ ધરપકડ કરાયેલા ઓરેવા કંપનીના વડા જયસુખ પટેલ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી. આજે સુનાવણી નીકળતા સુપ્રિમ કોર્ટે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ-પ્રક્રિયા કરવાનું સુચવીને જામીન અરજી ફગાવી દીધી હતી.

135 લોકોનો ભોગ લેનારા મોરબીના ઝુલતા પુલની જાળવણી-મેઈનટેનન્સ ઓરેવા કંપનીને સોંપાયું હતું. જયસુખ પટેલ કંપનીના એમડી છે. તેમના વતી સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ મુકુલ રાંચીથી તથા પીડીત પક્ષ વતી ઉત્કર્ષ દવે હાજર રહ્યા હતા. જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટમાં પેન્ડીંગ છે અને તેના પર 12મી ડિસેમ્બરે સુનાવણી-ચુકાદાની સંભાવના છે. મોરબી પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલને જામીનની અરજીમાં વધુ એક ઝટકો લાગ્યો છે.

આ સમાચારને શેર કરો