રાજકોટ: જુના માર્કેટિંગ યાર્ડ પાસે આઈસરે હડફેટે લેતા અજાણ્યા યુવકનું મોત
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો છે. આઈસર હડફેટે અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. બનાવના પગલે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે અને યુવકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ આજે રાત્રે 11 વાગ્યા આસપાસ એક અજાણ્યો યુવક રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે જ સમયે પૂર પાટ ઝડપે આવતા GJ – 03 – BW 3750 નંબરના આઇસરે તેને હડફેટે લેતા આઇસરના ટાયરો હેઠળ યુવક ચગદાઈ ગયો હતો અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે તુરંત ઘટના સ્થળે પહોંચેલી બી.ડિવિઝન પોલીસની ટીમે યુવકની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે. અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા તજવીજ કરી છે.