રાજકોટ: શાપર પાસે કાર પલ્ટી નાલામાં ખાબકી: ભેંસાણના શિક્ષકનું મોત

રાજકોટ: આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ શાપર પહેલા પારડીના પુલ પાસે શિવશકિત હોટલની બાજુમાં આવેલા નાલામાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર પાણીના ખાડામાં ખાબકતા રાજકોટથી મવડી ફાયર સ્ટેશનનો સ્ટાફ અને શાપર પોલીસની ટીમ દોડી ગઈ હતી. કારમાં તપાસ કરતા એક મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા મૃતકનું નામ અરવિંદ પેથાભાઈ ડાંગર હોવાનું અને જુનાગઢના વતની હોવાનું તેમજ પોતે ભેંસાણમાં શિક્ષક હોવાનું સામે આવેલ છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી ફાયર સ્ટેશનને સ્ટાફને 108 દ્વારા જાણ થઈ હતી કે અમદાવાદ હાઈવે પર શાપર વેરાવળ પાસે આવેલ પારડીના પુલની આગળ શિવશકિત હોટલની બાજુમાં આવેલા પુલની નીચે વોંકળાના પાણીમાં એક કાર પડી ગઈ છે. જેથી ફાયર સ્ટેશનના જમાદાર પરેશભાઈ ચુડાસમા, ડ્રાઈવર કિશોરસિંહ જાડેજા, ફાયરમેન સંજયભાઈ માંગેલા અને સંજયભાઈ ગોહીલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. વહેલી સવારે ઠંડીનો સમય હતો અને વોંકળાનું પાણી ઠંડુ હતું

તેમ છતા ફાયરની ટીમે ઠંડા પાણીમાં ઉતરી વોંકળામાં પડેલી કારમાં તપાસ કરતા અંદર કોઈ વ્યકિત ફસાયેલી હોવાનું જણાતા પ્રથમ કારના દરવાજા ખોલવા માટે પ્રયાસ કરેલો પરંતુ દરવાજા ન ખુલતા પાછળની ડેકીનો ભાગ ખોલી સીએનજી કીટ હટાવી અને પાછલી સીટો તોડી કારમાં પ્રવેશ કરતા ડ્રાઈવીંગ સીટ ઉપર એક વ્યકિત બેભાન હાલતમાં બેઠી હતી અને તેનો ચહેરો પાણીમાં ડુબેલો હોવાનું જણાતું હતું. તુરંત આ વ્યકિતને કારમાંથી બહાર કાઢી 108ના ઈએમટીએ તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચારને શેર કરો