Placeholder canvas

ગુરૂવાર સુધી ઠંડી યથાવત રહેશે; શુક્રવારથી રાહત મળવા લાગશે.

રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે અને તે ગુરૂવાર સુધી ચાલુ રહેશે. જ્યારે શુક્રવારથી તાપમાન આંશિક રીતે વધવા લાગવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત 3જી જાન્યુઆરીની આગાહી મુજબ 5થી 8મી તારીખ દરમિયાન માવઠા થયા હતા અને ત્યારબાદ તાપમાન નીચે સરકવા સાથે દિવસે પણ ટાઢુબોળ વાતાવરણ રહ્યું છે. ગાંધીનગરનું ન્યુનત્તમ તાપમાન 8.1 ડિગ્રી, કેશોદમાં 8.8 ડિગ્રી, વડોદરામાં 8.9 ડિગ્રી, અમદાવાદમાં 9.3 ડિગ્રી, ડીસામાં 9.5 ડિગ્રી તથા રાજકોટમાં 9.7 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન નોર્મલ કરતા પાંચ ડિગ્રી નીચું થતા કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે.

જ્યારે અન્ય સેન્ટરોમાં ન્યુનત્તમ તાપમાન 1થી 3 ડિગ્રી નીચું રહ્યું છે. મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વડોદરામાં મહત્તમ તાપમાન 24.1 ડિગ્રી તથા ડિસામાં 21.2 ડિગ્રી નોંધાયું હતું તે નોર્મલ કરતા પાંચ ડિગ્રી નીચે રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા રાજકોટનું 24.1 ડિગ્રી હતું તે નોર્મલ કરતા ચાર ડિગ્રી ઓછું રહ્યું છે. અમદાવાદમાં હાલ હજુ નોર્મલ તાપમાન 12 ડિગ્રી તથા રાજકોટમાં 13 ડિગ્રી ગણાય છે.

11થી 17 જાન્યુઆરીની આગાહી કરતા તેઓએ કહ્યું કે તા.13ને ગુરૂવાર સુધી અત્યાર જેવું ઠંડીનું મોજું યથાવત રહેશે. તા.14ને શુક્રવારથી તાપમાનમાં ક્રમશ: વધારો થવા લાગશે. 17મી જાન્યુઆરી સુધીમાં ન્યુનત્તમ તાપમાન અત્યાર કરતા 4થી 6 ડિગ્રી વધીને નોર્મલ આસપાસ થઈ જવાની શકયતા છે. આગાહીના સમયગાળા દરમિયાન પવન મોટાભાગે ઉત્તર-ઉત્તર પૂર્વના રહેશે અને ગતિ 10થી 20 કિલોમીયરની રહેશે. વાતાવરણ સ્વચ્છ જ રહેશે.

આ સમાચારને શેર કરો