ભાજપના અનેક નેતાઓ કોરોના સંક્રમિત

વડાપ્રધાનથી લઇ મુખ્યમંત્રીની સલાહ ફક્ત સામાન્ય લોકો માટે : ભાજપના કાર્યક્રમોમાં બિન્દાસ્ત રીતે કોરોનાને આમંત્રણ

ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે અને બહુ જલ્દી તે પાંચ આંકડાને પણ પહોંચી જશે તેવા સંકેત છે આ વચ્ચે પણ ચાલુ રહેલા ભાજપના ચૂંટણી કાર્યક્રમો અને નેતાઓના પ્રવાસ તથા તેની સાથે યોજાતા તાયફાઓના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે નિશ્ચિત છે. ઉપરાંત ભાજપના અનેક નેતાઓ હાલમાં ઉતરપ્રદેશમાં ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કામાં ગયા હતા તેઓ પણ સંંક્રમણ આ રાજ્યમાંથી લઇ આવ્યા છે.

તેમ છતા ભાજપના આગામી દિવસોના કાર્યક્રમો યથાવત રહ્યા છે અને પક્ષના નેતાઓના દાવા મુજબ તેઓ સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક વગેરે પ્રોટોકોલનું પાલન કરે છે પરંતુ ખરેખર આયોજન સમયે તેવું કાંઇ નજરે ચડતું નથી. ગઇકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી અને રાજ્યોને જરુર પડે વધુ પ્રતિબંધો લાદવા અને કોરોના પ્રોટોકોલ જળવાઈ તે માટે આકરા પગલા લેવા પણ સલાહ આપી હતી.

પરંતુ મોદીની આ સલાહ ભાજપના જ અને ગુજરાત ભાજપના નેતાઓ ભાગ્યે જ અમલ કરી રહ્યા છે. હાલમાં જ પીએમ સુરક્ષા મુદે ભાજપના ધરણાના કાર્યક્રમમાં હાજર રહેલા રાજકોટ ભાજપના સિનિયર નેતા નિતીન ભારદ્વાજ પોઝીટીવ થયા હતા તો હવે ઉતરપ્રદેશના પ્રવાસેથી પરત ફરેલ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

તેઓ યુપીમાં પ્રચાર કરવા ગયા તે તેઓ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ મળ્યા હતા. આમ તેઓએ જોખમ છેક રાજભવન સુધી પહોંચાડી દીધાનું મનાય છે તો હાલમાં જ પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરાએ મુખ્યમંત્રીના રાજકોટ કાર્યક્રમથી લઇને ગોંડલમાં પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં હાજરી આપી હતી તથા હજુ શનિ-રવિવારે જ જસદણ તાલુકા ભાજપના શિક્ષણ વર્ગમાં પણ તેઓએ હાજરી આપી હતી અને બે દિવસ સુધી તેઓ આ શિક્ષણ વર્ગમાં હતા તે પછી બોઘરા ગઇકાલે પોઝીટીવ જાહેર થયા છે.

આ શિક્ષણ વર્ગમાં પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત 140 લોકો હાજર હતા અને ભોજન સહિતના સમારોહ માણ્યા હતા અને હવે તેમાં બોઘરા પોઝીટીવ આવતા આ તમામ 140 લોકો માટે ચિંતા શરુ થઇ ગઇ છે. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. રસપ્રદ બાબત એ છે કે ગોંડલના યોજાયેલા કાર્યક્રમમાં તેઓ હાજર ન હતા પણ તે સમયે તેઓ સંક્રમીત થઇ ગયા હોવાનું મનાય છે અને છેલ્લા ચાર-પાંચ દિવસથી આઈસોલેટ છે જો કે આ તમામ અગ્રણીઓનું સ્વાસ્થ્ય સારુ છે પરંતુ તેઓ સ્પ્રેડર બની શકે છે.

રાજકોટ શહેર ભાજપમાં પૂર્વ કોર્પોરેટર અને કાર્યાલય મંત્રી અનિલભાઈ પારેખના ધર્મપત્ની મીનાબેન પારેખ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. ધારાસભ્યોમાં પણ કોરોનાનું સંક્રમણ આગળ વધી રહ્યું છે અને હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ પોતે પોઝીટીવ હોવાનું જાહેર કર્યુ છે. આ પૂર્વે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રભાત દૂધાત કોરોના પોઝીટીવ જાહેર થયા હતા જો કે તે સમયે રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પોઝીટીવ હોવાની ચર્ચા હતી જો કે પોતાને કોઇ સંક્રમણ નહીં લાગ્યાનું જણાવ્યું છે. આ તમામ વચ્ચે રાજકોટ શહેર-જિલ્લા ભાજપના કાર્યક્રમો યથાવત રહ્યા છે. વાસ્તવમાં સિટી ભાજપ મોદીની સુરક્ષાના મુદે તા. 13 સુધી કોંગ્રેસ સામે ધરણા અને અન્ય કાર્યક્રમો આપતું રહેશે જ્યારે જિલ્લા ભાજપે પણ સહકાર ભારતી સ્થાપના દિને આવતીકાલે બપોરે એક બૌધ્ધિક વર્ગનું આયોજન કર્યું છે.

આ સમાચારને શેર કરો