Placeholder canvas

રાજકોટમાં કાતિલ ઠંડીએ શાળામાં અભ્યાસ કરતી બાળકીનો ભોગ લીધો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણમાં 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સગીરાનું મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહને પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં શેરી નંબર 4 માં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી રીયા કિરણકુમાર સાગર (ઉ.વ.17)એ આજે સવારે 7.10 ની આસપાસ સ્કૂલવેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. 7.30 ની આસપાસ સ્કૂલે પહોંચીને પ્રાથનાખડમાં પ્રાથના કરી હતી. બાદમાં ધોરણ 8 માં ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ 108 ને જાણ કરી હતી. આમ છતાં સમયસૂચકતા દાખવી સ્કૂલ સંચાલકોએ રીયાને બેશુદ્ધ હાલતમાં સ્કૂલવેનમાં બેસાડી તાકીદે દોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી જયાં ફરજ પરના તબીબે ઇસીજી રિપોર્ટ કર્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી.

આ સમાચારને શેર કરો