Placeholder canvas

‘તેજ’ વાવાઝોડુ તેજ ગતિએ પ્રચંડ બન્યું,ઓમાન-યમન વચ્ચે ત્રાટકશે.

ખતરો મોટો થયો છે પણ દૂર હોવાથી ગુજરાતના તમામ બંદરો ઉપર સિગ્નલ ડીસી-૨ લગાડાયા,બંગાળની ખાડીમાં પણ ચક્રવાતની સીસ્ટમ…!!!

રાજકોટ, : દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડુ કે જેને ‘તેજ’નામકરણ થયું છે તે તેજ ગતિએ માત્ર એક દિવસમાં ડીપ્રેસનમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું છે અને આ સાથે તે તેજ ગતિએ આગળ વધ્યું છે. પરંતુ, ગુજરાત કાંઠાને બદલે તે પશ્ચિમ ઉત્તર,પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે અને તા.૨૫ ઓક્ટોબરના તે યમન અને ઓમાન દેશ વચ્ચે સાગરકાંઠે ટકરાશે તેવું પૂર્વાનુમાન આજે જારી કરાયું છે.

આ વાવાઝોડુ આજે યમનના સોકોટ્રાથી 550 કિ.મી. અને ઓમાનના સલાહથી 880 કિ.મી.ના અંતરે પહોંચ્યું હતું. આ અરબી સમુદ્રમાં પશ્ચિમે આ દેશો આવેલા છે તો પૂર્વમાં ભારતના કર્ણાટકથી મહારાષ્ટ્ર,ગુજરાત સહિતના રાજ્યો આવેલા છે. આમ, ભારતીય સમુદ્રમાં પ્રચંડ વાવાઝોડુ સર્જાતા અને આજે વધુ શક્તિશાળી બનતા ગઈકાલે ગુજરાતના તમામ બંદરો ઉપર સિગ્નલ ડી.સી.-૧ની જગ્યાએ આજે સિગ્નલ ડી.સી.-૨ લગાડાયા છે જે દૂર દરિયામાં મોટો ખતરો હોવાનું સૂચવે છે. આવતીકાલે આ વાવાઝોડુ કલાકના ૧૫૦થી ૧૭૫ કિ.મી.સુધીની સ્પીડ હાંસલ કરીને વધુ તાકાતવાન બને તેવી શક્યતા પણ દર્શાવાઈ છે.

દક્ષિણ ભારતના કેરલ સહિતના રાજ્યોની પશ્ચિમ દિશાએ ઉપરોક્ત પ્રચંડ વાવાઝોડુ સર્જાયું જે કાંઠાથી દૂર જઈ રહ્યું છે તો બીજી તરફ પૂર્વ દિશાએ બંગાળની ખાડીમાં ભારે તોફાની વરસાદ લાવતી વેલ માર્કેડ લો પ્રેસરની સીસ્ટમ સર્જાઈ છે જે આવતીકાલ સુધીમાં ડીપ્રેસનમાં ફેરવાવાની અને વધુ તાકાત મળે તો તે પણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સીસ્ટમ પશ્ચિમ બંગાળ,બાંગ્લાદેશ તરફ આગળ વધવાની શક્યતા છે. દરમિયાન સૌરાષ્ટ્રના નવલખીથી પોરબંદર સહિત તમામ દરિયામાં 2 નંબરનું સિગ્નલ લાગવા સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. જો કે મૌસમ વિભાગ અનુસાર હાલ વાવાઝોડાથી રાજ્યની ખતરો જણાતો નથી.

આ સમાચારને શેર કરો