Placeholder canvas

ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનું સરનામું જ નથી!, તાલુકાની 16 બ્રાન્ચ પણ ભાડાપેટે

નવી અદ્યતન ઓફીસ બનાવવા ઉઠી લોકમાંગ: આઝાદી પછી પણ તાલુકા મથકે ભાડેથી બેસવું પડે તે આશ્ચર્ય સર્જે છે

By જયેશ ભટાસણા – ટંકારા
જ્યારે દુનિયામાં ટેકનોલોજીનો ઉદય ન હતો ત્યારે કોઈપણ સંદેશો એક ગામ કે શહેરથી અન્ય ગામ કે શહેર સુધી પહોંચાડવા માટે એક માત્ર પોસ્ટ ઓફિસની સેવા ઉપલબ્ધ હતી. હાલમાં આંગળીના ટેરવે કોઈપણ ક્ષણે બીજી વ્યક્તિ સાથે વાત થઇ શકે છે. ત્યારે પણ ટપાલનો યુગ પુરો થયો નથી. અને કાગળની આપ-લે અને સરકારી નોટિસ સહિતની ટપાલ વ્યવહાર ચાલુ જ છે.

આવા આધુનિક સમયમાં આઝાદી પૂર્વેથી કાર્યરત ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનુ કાયમી સરનામું જ નથી. તેમજ ટંકારા પોસ્ટ ઓફિસની હેઠળ આવતી 16 જેટલી બ્રાંચ ઓફીસ પણ ભાડાપેટે ચાલી રહી છે. ત્યારે સરનામા સુધી પહોંચતી સેવાની સંસ્થાને કાયમી સરનામું મળે એવી લોકમાંગ ઉઠી છે.

હાલમાં ટંકારાની પોસ્ટ ઓફિસ દયાનંદ ચોક સ્થિત નાનકડા મકાનમા ભાડે ચાલે છે. જેમાં સંકળાશ પડે છે અને પૂરતી સેવાનો અભાવ છે. આથી, કુરિયર માટે પ્રાઈવેટ સર્વિસ તરફ લોકોને જવુ પડ્યુ છે. જે લાંબા ગાળે સરકારી સંસ્થા એવી પોસ્ટ ઓફિસને નુકસાનકારક થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં ટંકારા પોસ્ટ ઓફિસનુ કાયમી સરનામું મળે અને તાલુકા કક્ષાની આધુનિક ઓફીસ કાર્યરત કરવાની માંગ ઉઠી છે.

આ સમાચારને શેર કરો