Placeholder canvas

ટંકારા: નેકનામ ગામે 15થી 20 ચોરીના બનાવ પણ પોલીસના દફતરે એક પણ કેસ નહિ…!!!

ટંકારા : ટંકારાના નેકનામ ગામે 45 દિવસમાં 15થી 20 ચોરી થઈ હોય ટંકારા પંથકને ધમરોળી નાખી તસ્કરો હાહાકાર મચાવતા હોવા છતાં ટંકારા પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ તસ્કરો પ્રત્યે કુણું વલણ દાખવતો હોય એમ આવા એકેય બનાવની ફરિયાદ જ નોંધી નથી. ચોરીના અનેક બનાવ બનવા છતાં ટંકારા પોલીસ કેસ ઓછા દેખાવડા એફઆઈઆર નોંધતી જ ન હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ એસપીને રજુઆત કરી ફરિયાદ નોંધવામાં બેદરકારી કરનાર સ્થાનિક પોલીસ સામે કડક કાર્યવાહી કરવા અને ટંકારામાં નિષ્ઠાવાન અને કડક છાપ ધરાવતા પોલીસ અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે.

ટંકારા તાલુકાના નેકનામ ગામના મગનભાઈ પોપટભાઈ હરણીયા સહિતના ગ્રામજનોએ એસપીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, છેલ્લા 45થી 60 દિવસમાં 15થી 20 જેટલી ચોરીનો તસ્કરોએ અંજામ આપ્યો હોવા છતાં સમગ્ર ટંકારા પોલીસ સ્ટાફ કોઈપણ પ્રકારની તપાસ ન કરવી પડે તેમજ ઓછા કેસ દેખાડીને મોટા અધિકારીઓની વાહવાહી લૂંટવા માટે માત્ર સાદા કાગળ ઉપર વિગતો લખી એફઆઈઆર ન નોંધીને મોટા અધિકારી અને ગ્રામજનો ઉઠા ભણાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. અવારનવાર ચોરી થયાની જાણ કરવા અને ફરિયાદ નોંધવા ગ્રામજનો વારંવાર ટંકારા પોલીસ સ્ટેશનના ધકા ખાઈને થાકી ગયા છતાં ટંકારા પોલીસ ઉલ્લુ બનાવવામાં માહિર હોય એમ ફરિયાદ ન નોંધીને સબ સલામતના પોકળ દાવા કરે છે.

ટંકારામાં પ્રભુભાઈ પોપટભાઈ હાલપરા, હરણીયા પરિવાર બ્રાહ્મણી માતાનું મંદિર, હાલપરા પરિવાર બહુચર માતાજીનું મંદિર, જાદવ પરિવાર મંદિર, ચીકાણી પરિવાર બહુચર માતાજીનું મંદિર, લુહાર જ્ઞાતિનું મંદિર, ધીરજલાલ લવજીભાઈ હાલપરા, ઝાલા પરિવાર ધાવડી માતાજીનું મંદિર, ગિરીશ રણછોડભાઈ વરસડા, હરેશ અવચરભાઈ નડિયાપરા, મગનભાઈ પોપટભાઈ હરણીયા, હરજીભાઈ મનજીભાઈ ચીકાણી, મેહુલ વસંતભાઈ બરાસરા સહિતના લોકોના ઘરે તેમજ મંદિરોમાં દાનપેટી, રોકડ, કન્ટ્રક્શન મટીરીયલ, વાડીના સાધનોની ચોરી થવા છતાં ટંકારા પોલીસે કેમ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી નથી ? તે જાણવા તટસ્થ તપાસ કરી જે કસૂરવાર ઠરે તે પોલીસ અધિકારી કે કર્મચારી સામે કડક કાર્યવાહી કરવા અને ટંકારામાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ તે માટે નિષ્ઠાવાન પોલીસ અધિકારીની નિમણૂક કરવા એસપી સમક્ષ માંગ કરી છે.

આ સમાચારને શેર કરો