Placeholder canvas

ટંકારા વિધાનસભા બેઠક ઉપર ભાજપે દુર્લભજી હરખજી દેથરીયાને મેદાને ઉતાર્યા છે.

ટંકારા:આગામી વિધાનસભાની ચુંટણી માટે ભાજપે જાહેર કરેલ ઉમેદવારોમા ટંકારા વિધાનસભા બેઠક ઉપર પક્ષે મોરબી જીલ્લા ભાજપના ૬૩ વર્ષિય પક્ષ પ્રમુખ ઉપર કળશ ઢોળ્યો છે. ભાજપે અહીં જ્ઞાતિ સમીકરણો ઉપરાંત ઠરેલ વ્યક્તિ અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ પસંદ કરી ૧૯૯૦ થી સળંગ ભાજપના કબજામા રહેલી પરંતુ ગત વખતે પાટીદાર અનામત આંદોલનની અસરથી ગુમાવેલી બેઠક ફરી ગજવા માં લેવા પ્રયાસ કર્યા નુ ગણીત હોવાનુ જણાય છે. ભાજપે ગુરૂવારે જાહેર કરેલ ઉમેદવારોમા ટંકારા પડધરી બેઠક પર આ વખતે મોરબી જીલ્લા ભાજપના પક્ષ પ્રમુખ દુર્લભજી હરખજી દેથરીયાને મેદાને ઉતાર્યા છે.

આ બેઠકમાં ૯૦ હજાર જેટલા કડવા પાટીદાર અને ૫૦ હજાર જેટલા લેઉઆ પાટીદાર સહિત આશરે અઢી લાખ મતદારો ધરાવતી ટંકારા બેઠકમા જ્ઞાતિ સમીકરણો ધ્યાને રાખીને બંને પક્ષે મોટેભાગે કડવા પાટીદારનુ પ્રભુત્વ ધ્યાને રાખીને ઉમેદવારો પસંદ કરવામા આવે છે. હાલ ભાજપ પક્ષે જેમને ટીકીટ ફાળવી છે. તે ૧૯૫૯ મા જન્મેલા દુર્લભજીભાઈ દેથરીયા મોરબી તાલુકાના લીલાપર ગામના છે. અને હાલ મોરબી વસે છે. દસ ધોરણ ભણેલા દેથરીયા ૧૯૯૦ થી કેસરીયા પક્ષના કાર્યકર છે. ૧૯૯૮ થી ૨૦૦૬ ના સમય ગાળા દરમિયાન મોરબી ભાજપ ના સંગઠનમા મહામંત્રી તરીકે અને હાલ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે પક્ષનું સંગઠન કાર્ય સંભાળી રહ્યા છે. ૨૦૧૪ મા વિધાનસભા અને ૨૦૧૯ મા લોકસભામા આ બેઠકના ચુંટણી ઈન્ચાર્જ તરીકે કામગીરી કરી હોવાથી બેઠકથી સંપૂર્ણ માહિતગાર હોવા સાથે મતદારો મા જાણીતો ચહેરો છે. હાલ મોરબીમા સિરામિક ઉધોગ સાથે સંકળાયેલા છે.

ચુંટણીના ડાકલા વાગી રહ્યા હતા ત્યારે બેઠક ઉપર ઉમેદવારો નો રાફડો ફાટયો હતો. અને વીસેક જેટલા નાના મોટા કાર્યકર્તાઓએ ટીકીટ માટે દાવેદારી નોંધાવી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નાટ્યાત્મક સંજોગો મા પાણીમા બેસી ગયા હતા. ભાજપે અહીંયા જ્ઞાતિ ફેકટર ઉપરાંત, સ્વચ્છ પ્રતિભા ઉપરાંત,જીતી શકે એવા જનમાનસમા કોરી પાટી ધરાવતા વ્યક્તિને પસંદ કર્યા હતા. આમ કરવા પાછળ રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયા આ બેઠક પર સળંગ પાંચ વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. તેઓનુ આ સીટ ઉપર વર્ચસ્વ હોય દુર્લભજીભાઈ તેમના નિકટના સાથીદાર હોવાથી ફાયદો થવાનુ રાજકીય ગણિત હોવાની સાથે અહીંયા સહકારી ક્ષેત્રે જેનો દબદબો હોય તે બાજી મારવા સક્ષમ ગણાય છે. એ ગણતરી પ્રમાણે હાલ સહકારી ક્ષેત્ર ઉપર ભાજપનુ સામ્રાજ્ય હોવાથી કોંગ્રેસના વજનદાર ઉમેદવારને પછાડવા અનેક પાસા ચકાસી પસંદગી કરાયાનું ગણીત મંડાયુ હોય એમ જણાય છે. જોકે, આ વખતે અહીંયા નવોદીત આમ આદમી પાર્ટીએ કડવા પાટીદાર સમાજના સ્થાનિક ઉમેદવાર સંજય ભટાસણાને મેદાને ઉતાર્યા છે. ત્યારે ત્રણ માથી કોણ ફાવશે એ મતદાતાઓ ઉપર છોડીએ.

આ સમાચારને શેર કરો