Placeholder canvas

વાંકાનેરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા તલાટી કાદરી સહિત બેની ધરપકડ

વાંકાનેર: તાલુકાનાં મહીકા ગામના રહેવાસી યુવાને મિલકત ગીરવે મૂકીને વ્યાજે ૩૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તે દર મહિને દોઢ લાખ રુપિયાનું વ્યાજ આપતો હતો તો પણ યુવાનની માલીકીની જમીન તેમજ ફોરવ્હીલ ગાડી વ્યાજ ખોરો દ્વારા પડાવી લેવામાં આવી હતી અને તેની પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં તલાટી સહિત બે આરોપીની ધરપકડ કરાઇ છે.

મળેલી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના રહેવાસી અને હાલમાં રાહત સોસાયટી ઉન પાટીયા ગર્ભની નીયર અમીના હોસ્પીટલ સુરત પાસે રહેતા ઈલ્યુદીન હબીબભાઇ બાદી જાતે મોમીન મુસ્લીમ (૪૦) એ એઝાઝહુસેન મહમદઇકબાલભાઇ કાદરી (રહે.વાંકાનેર) તથા પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા (રહે. અમદાવાદ) સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેને આરોપીઓ પાસેથી પોતાની મીલ્કત ગીરવે મુકી તેનુ લખાણ કરી આપીને તા.૧૨/૧૦/૨૦૨૦ નારોજથી ઉંચા વ્યાજે રૂપીયા ૩૦,૦૦,૦૦૦ લીધા હતા અને જેનુ માસિક પાંચ ટકા લેખે વ્યાજ આપવાનું હતું જેથી માસીક રૂપીયા ૧,૫૦,૦૦૦ વ્યાજ પેટે ચુકવવાનુ નકકી કરેલ હતું.

આજ સુધીમા ફરીયાદીની માલીકીની જમીન તેમજ ફરીયાદીની માલીકીની ફોરવ્હીલ ગાડી જેનો આર.ટી.ઓ નં. જીજે ૧ કેવાય ૦૩૦૨ જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ રૂપિયા થાય છે તે વ્યાજ પેટે આરોપી પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમાએ બળજબરીથી લઇ લીધેલ છે અને ફરીયાદીને અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરવા માટે અપહરણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, આટલું જ નહીં વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ તલાટી કાદરીની ઓફીસે બોલાવીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી તેમજ અગાઉ પણ આરોપીએ બળજબરીથી મીલ્કત પડાવી લીધી હતી.

જેથી બંને વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૪૦, ૪૨(એ), ૪૨(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આગુનામાં પોલીસે પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા (૫૦) રહે. બોડકદેવ અમદાવાદ અને એઝાઝહુસેન મહામદઇકબાલભાઇ કાદરી જાતે સૈયદ (૫૦) રહે. લક્ષ્મીપરા વાળાની ધરપરડ કરેલ છે અને આરોપી એઝાઝહુસેન કાદરી મોરબી જિલ્લામાં તલાટી તરીકે ફરજ બજાવે છે.

આ સમાચારને શેર કરો