Placeholder canvas

વાંકાનેર: હાઈવે જકાતનાકાની બન્ને બાજુ સ્પીડબ્રેકર મૂકવા ખૂબ જ જરૂરી. -મયુર ઠાકોર

વાંકાનેર : વાંકાનેર શહેરમાં નેશનલ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર વચ્ચે છાસવારે અકસ્માત સર્જાતા હોવાથી હાઇવે ઉપર આવેલા જકાતનાકાની બન્ને બાજુ સ્પીડબ્રેકર મૂકવા માટે સામાજિક આગેવાન દ્વારા ટ્વિટરના માધ્યમથી તંત્રને રજૂઆત કરી છે.

સામાજિક આગેવાન મયુર ઠાકોરે તંત્રને રજુઆત કરતાં જણાવ્યું છે કે, વાંકાનેર હાઈવે જકાતનાકા ચોકડી પર હાઈવે રોડ પસાર થતો હોવાથી શહેરના વાહનો તેમજ હાઈવે પરના ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય છે. ત્યારે ઘણી વખત અહીંયા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલા રફાળિયા તેમજ લાલપર પાસે જો હાઇવે પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા હોય તો આ ચોકડીની બંને બાજુ સ્પીડબ્રેકર મૂકવા અતિ આવશ્યક છે. જેથી વાહનોની ગતિ ધીમી થાય અને અકસ્માત સર્જાતા અટકે.

ભૂતકાળમાં આ ચોકડી પર અનેક ભયંકર અકસ્માતો સર્જાયા છે જેના કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે આ ચોકડી પર જો સ્પીડબ્રેકર મૂકવામાં આવે તો ભવિષ્યમાં મોટી જાનહાનિથી પણ બચી શકાય તેમ છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા લોકહિતને ધ્યાને લઈ અગમચેતીના ભાગરૂપે આ હાઈવેની બંને બાજુ સ્પીડબ્રેકર મૂકવાની કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક આગેવાને અંતમાં માંગ કરી છે.

આ સમાચારને શેર કરો