રાજકોટ: બામણબોર ગામે કોળી પરિવાર પર હુમલો કરનાર સાતની ધરપકડ

કોળી યુવાનની નાની બહેન ન્હાવા ગઇ ત્યારે દિવાલ પર ચડી ડોકીયા કરતા શખ્સને ટપારતા સાતેયે હુમલો કર્યો હતો

રાજકોટના બામણબોર ગામે કોળી પરિવાર પર હીચકારો હુમલો કરનાર બે મહિલા સહિત સાત શખ્સોને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોળી પરિવારની 17 વર્ષની તરૂણી ખુલ્લા નવેરામાં ન્હાવા ગઇ ત્યારે સંજય નામનો શખ્સ દિવાલ પર ચડીને ડોકીયા કરતો હોવાથી નાના ભાઇએ તેમને ટપારતા કોળી પરિવાર પર બે મહિલા સહિત સાત શખ્સોએ હુમલો કર્યો હતો.

બનાવ અંગે કડીયા કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા રોહિત દિનેશભાઇ કણસાગરાએ બામણબોર ગામે રહેલા રમેશ ગણેશ મકવાણા, અમરશી ગણેશભાઇ મકવાણા, ચિરાગ રમેશભાઇ મકવાણા, શૈલેષ રમેશભાઇ મકવાણા, લાલજી અમરશી મકવાણા, મંજુબેન રમેશભાઇ મકવાણા અને શોભનાબેન લલિત મકવાણા સામે એક સંપ કરી લાકડી અને પાઇપથી હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી હતી.

રોહિત દિનેશભાઇ કણસાગરાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 1 મેના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં તેની 17 વર્ષની નાની બહેન કિરણ ખુલ્લા નવેરામાં ન્હાવા ગઇ ત્યારે સંજય મકવાણા દિવાલ પર ચડીને કિરણને જોઇ રહ્યો હતો આથી રોહિતે તેને ટપારી ફડાકા ઝીંકી સંજય ત્યાંથી ચાલ્યો ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સંજય તેના પરીવારજનો રમેશ ગણેશ મકવાણા, અમરશી ગણેશ મકવાણા, ચિરાગ રમેશ મકવાણા, શૈલેષ રમેશ મકવાણા, લાલજી અમરશી મકવાણા, મંજુબેન રમેશભાઇ મકવાણા અને શોભનાબેન લલિતભાઇ મકવાણા અને સાથે તેમના ઘર પાસે ધસી આવ્યો હતો અને તમામે એક સંપ કરી રોહિત અને તેના પરીવારજનો પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. રોહિતે હુમલાના બનાવ અંગે પોતાના કાકા કે જે રીક્ષા ચલાવે છે તેમના પગમાં ફ્રેકચર થયેલ હોય તેઓ રીક્ષામાં સ્થળ પર પહોંચતા સંજય અને તેના પરીવારજનોએ ભાવેશભાઇને પણ માર માર્યો હતો. રોહિતે ફરીયાદના અંતમાં એમ પણ જણાવ્યું હતું કે હુમલાખોરો પૈકીના શોભનાબેન અને મંજુબેને તેમના ભાભી અને બહેન સાથે ઝઘડો કરી કપડા ફાડી નાખ્યા હતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો