Placeholder canvas

રાજકોટમાં કોરોના કાળના અઢી વર્ષ બાદ સૌરાષ્ટ્રભરમાં પ્રસિધ્ધ લોકમેળો 17 થી 21 ઓગષ્ટે યોજાશે.

રાજકોટ: કોરોના મહામારી નામશેષ થતા જ રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા અઢી વર્ષનાં લાંબા સમયગાળા બાદ આગામી ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે જેમાં આગામી જૂન માસમાં લોકમેળા સમિતિની બેઠક યોજવા માટે તખ્તો તૈયાર કરી નાખવામાં આવેલ છે. લોકમેળાના આ આયોજન માટે પ્રાંત કચેરી દ્વારા પણ જૂની ફાઈલો પરથી ધૂળ ખંખેરવાનું શરુ કરી દેવામાં આવેલ છે.

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા અગાઉ ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવાની જાહેરાત કરી દીધી હતી. કલેક્ટર અરુણ મહેશ બાબુએ કોરોનાની ચોથી લહેર નહીં આવે તો લોકમેળો ચોક્કસ યોજાશે તેવો નિર્દેશ આપ્યો હતો. જે બાદ હવે જિલ્લા કલેક્ટર દ્વારા આ મેળો યોજવા અંગેની પ્રાથમિક તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં આયોજીત થતો આ ભાતીગળ અને પરંપરાગત જન્માષ્ટમીનો લોકમેળો ચાલુ વર્ષે રાંધણ છઠ્ઠથી એટલે કે ઓગસ્ટ માસમાં 17 થી 21 દરમિયાન યોજાઈ તે માટેનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.રાજકોટનો આ લોકમેળો એ સૌરાષ્ટ્રભરમાં અનોખી ભાત પાડી રહ્યો છે. સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી હૈયે હેયુ દળાઈ એટલી માનવ મેદની ઉમટી પડે છે.

આ સમાચારને શેર કરો