Placeholder canvas

રાજકોટ: કેસરી હિન્દ પુલથી હોસ્પિટલ ચોક વચ્ચેનો સર્વિસ રોડ ચાલુ

જુની કલેકટર કચેરીથી કેસરી હિન્દ પુલ તરફ જવાનો સર્વિસ રોડ કામચલાઉ બંધ કરી ડામરનો બનાવાશે : મોચી બજાર – લોહાણાપરા તરફનો ટ્રાફિક હળવો

રાજકોટ શહેરની મધ્યમાં હોસ્પિટલ ચોક ખાતે બની રહેલા થ્રી આર્મ ફલાયઓવર બ્રીજનું કામ અંતિમ તબકકા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે મહિનાઓ બાદ કેસરે હિન્દ પુલ તરફથી મોચી બજાર કોર્ટ તરફનો રસ્તો આજે મહાપાલિકાએ ખુલ્લો મુકી દેતા હજારો વાહન ચાલકોને રાહત થઇ છે. આ રસ્તા પર તુરંતમાં પેવર કામ પણ કરી આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ચોકમાં 84 કરોડના ખર્ચે જામનગર રોડ, કુવાડવા રોડ, જયુબીલી રોડને જોડતા ફલાયઓવરનું કામ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાના કારણે આ કામમાં વિલંબ થયો હતો. તે બાદ કમિશ્નર અમિત અરોરાએ રાજકોટ હાજર થવા સાથે આ બ્રીજનું કામ પુરૂ થાય તેને પ્રાથમિકતા આપી હતી અને દિવસ-રાત કામ ચાલુ કરાવ્યું હતું. હવે આ બ્રીજનું કામ રોડની ત્રણે બાજુથી બહાર નીકળીને લોકોને પણ દેખાઇ રહ્યું છે. આ બ્રીજના કામની ગતિ પણ હવે પુરજોશમાં હોય ચાર મહિના બાદ એટલે કે જુલાઇ માસના અંત સુધીમાં આ બ્રીજ તૈયાર થઇ જવાની તંત્રની ધારણા છે. આ બ્રીજના કામ માટે રાજકોટનો સૌથી ટ્રાફિક ગ્રસ્ત હોસ્પિટલ ચોકનો માર્ગ બંધ કરાતા સૌથી મોટી સમસ્યા પણ ઉભી થઇ હતી.

હાઇવેને જોડતા વાહનો ડાયવર્ટ કરવા પડયા છે. ખાસ કરીને સીટી બસનો વ્યવહાર પણ દુર દુર સુધી ફેરવવામાં આવ્યો છે. બ્રીજની મધ્યથી ચાર માર્ગની આઠ તરફના રસ્તા તબકકાવાર બંધ કરાયા છે તેમાં પણ કેસરે હિન્દ પુલથી આવતો ટ્રાફિક વાહનો માટે બંધ કરાતા હજારો વાહન ચાલકો હેરાન થયા છે. પુલ ઉપરથી આઇપી મીશન સ્કુલ તરફ આવી શકાતું ન હોય, મોચી બજાર કે હોસ્પિટલ ચોક જવા માંગતા વાહન ચાલકોને લોહાણાપરા તરફ ગીચ વિસ્તારમાં વળવું પડતું હતું. આ રોડ આગળનું કામ પુરૂ થતા ખોલી નાખવામાં આવ્યો છે. હાલ મેટલ પાથરી દેવામાં આવી છે અને થોડા દિવસમાં જ ડામર કામ કરી દેવામાં આવશે.

સામેના ભાગે જુની કલેકટર કચેરી તરફનો રસ્તો પણ હવે કામ માટે બંધ કરવામાં આવશે. આથી આ રોડનો ટ્રાફિક ડાયવર્ટ કરવાનો થશે. જોકે આ રોડ 1પ-20 દિવસ માટે જ બંધ કરાશે અને વાહન ચાલકોને વધુ તકલીફ નહીં પડે. ખાસ કરીને કેસરે હિન્દ પુલ તરફથી મોચી બજાર કોર્ટ ચોક સુધીનો રસ્તો ખુલી જતા ટ્રાફિકમાં સરળતા થશે તેવું ઇજનેરે કહ્યું હતું. આ સાથે જ બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય, વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં સરળતા પડશે. સાથે જ બ્રીજનું કામ જુલાઇમાં પુરૂ થઇ જવાની પણ શાસકો અને વહીવટી તંત્રને પુરી આશા છે.

આ સમાચારને શેર કરો