Placeholder canvas

રાજકોટ: સ્માર્ટ સીટીમાં ન્યુ રેસકોર્ષ સપ્ટેમ્બર સુધીમાં થઈ જશે તૈયાર…

સ્‍થળ મુલાકાત દરમિયાન કામની સમીક્ષાઃ બન્‍ને સાઇટના કામ સમય મર્યાદામાં પુરા કરવા તાકીદ

રાજકોટ મહાનગરમાં સ્માર્ટ સીટી ડેવલપમેન્ટના કામ ખૂબ ધીમા ચાલી રહ્યાની સ્થિતિ વચ્ચે તાજેતરમાં વિપક્ષે જનરલ બોર્ડમાં સ્માર્ટ સીટી પ્રોેજેકટનો ઇતિહાસ પૂછયો હતો. તે બાદ આજે મેયર, કમિશ્નર સહિતના તંત્રવાહકોએ નવા રીંગ રોડ પરના આ પ્રોજેકટની મુલાકાત લીધી હતી. અટલ સરોવર ડેવલપમેન્ટ હેઠળ સાયકલ ટ્રેક, ગાર્ડન, ટોય ટ્રેન, એમ્ફીથીયેટર, ફૂડ કોર્ટ સહિતનું ન્યુ રેસકોર્ષ અને લાઇટ હાઉસ આવાસ પ્રોજેકટ સપ્ટેમ્બર માસમાં તૈયાર થઇ જશે તેમ મુલાકાત બાદ મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું.

શહેરીજનોને ફરવા લાયક નવું સ્થળ મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી હેઠળ રૂ.136 કરોડના ખર્ચે અટલ સરોવર ડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે. સૌ પ્રથમ ફૈઝ-1માં અટલ સરોવરને ઊંડું ઉતારાતા અંદાજે 400 મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે. અટલ સરોવરનું ક્ષેત્રફળ 2,93,457 ચો.મી. છે. જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર 92,837 ચો.મી. છે. સરોવર ડેવલપમેન્ટમાં ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલક્લોક, સાઈકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોકવે, પાર્ટી પ્લોટ, ટોયટ્રેઈન, ફેરિસવ્હીલ, બે એમ્ફીથીયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફ્લેગ(70 મી. તથા 40 મી.) તેમજ હાલ એક વિસ્તારમાં ગ્રામ હાટ અને 42 દુકાનોનું નિર્માણ કરવામાં આવનાર છે. અટલ સરોવર ડેવલોપ થતા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા માટેનું એક સુંદર સ્થળ મળી રહેશે.

અટલ સરોવરમાં પાણી સતત ભરાયેલું રહે તે માટે ટર્શીયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયેલું પાણી આ સરોવરમાં છોડવામાં આવશે. અંદાજે રૂ.17 કરોડના ખર્ચે મેઈન્ટેનન્સ સાથે બનાવવામાં આવી રહેલ 8 એમએલડી ક્ષમતાના આ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય પૂર્ણ થયે તેમાંથી અટલ સરોવરમાં જરૂરિયાત મુજબનો શુદ્ધ જળ જથ્થો છોડી શકાશે તેમજ ગાર્ડનના ઉછેર અને જાળવણી માટે પણ આ રીસાયકલ્ડ પાણીનો ઉપયોગ કરી શકાશે. સ્થળ મુલાકાત દરમ્યાન મેયર અને પદાધિકારીઓએ કામની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત સ્માર્ટ સિટી વિસ્તારમાં નવી ટેકનોલોજીના આધારે ઇડબ્લ્યુએસ-2 પ્રકારના 1144 આવાસોનું નિર્માણ ટનલ ફોર્મવર્ક ટેકનોલોજીથી કરવામાં આવી રહેલ છે. તેની પણ પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધેલ હતી.

આ આવાસ યોજનામાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારીત આયોજન કરવામાં આવેલ છે. લાઈટ હાઉસમાં કોમ્યુનિટી હોલ, આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રની પણ સુવિધા આપવામાં આવશે તેમજ લાઈટ હાઉસમાં ફર્નિચર પણ કરી આપવામાં આવનાર છે. અટલ સરોવરની કામગીરી તેમજ લાઈટ હાઉસ આવાસની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે પદાધિકારીઓએ એજન્સી તથા સંબંધક અધિકારીને તાકીદ કરવામાં આવેલ હતી.

આ સમાચારને શેર કરો