Placeholder canvas

હાર્ટએટેકનો સિલસિલોઃ રાજકોટમાં 2,પોરબંદરમાં 1નું હાર્ટએટેકથી મોત…

નવરાત્રિ વખતથી શરૂ થયેલ યુવાનોમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો સૌરાષ્ટ્રમાં હજુ જારી રહ્યો છે અને તબીબી સૂત્રો અનુસાર સામાન્યતઃ ઉનાળા કરતા શિયાળામાં હાર્ટ એટેકના બનાવો વધુ નોંધાતા હોય છે ત્યારે વાલીઓ અને પરિવારજનોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે. રાજકોટમાં વધુ બે વ્યક્તિનું અને પોરબંદરમાં એક વ્યક્તિનું અચાનક હૃદય બંધ પડી જતા મોત નીપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

પોલીસ સૂત્રો અનુસાર રાજકોટના જંગલેશ્વરમાં હુસેની ચોકમાં રહેતા સતાર હારૂનભાઈ દલ (ઉ.વ.૩૫) નામક યુવાન આજે સવારે તેના ઘર પાસે આવેલ દુકાને પાન ખાવા માટે જઈ રહ્યા હતા ત્યારે ઘરે ફળિયામાં ઢળી પડી અચાનક બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા મૃત્યુ પામેલ જાહેર કરાયા હતા. જ્યારે વલ્લભભાઈ છગનભાઈ સીણોજીયા (ઉ.૫૫ રહે.બ્રાહ્મણીયા પરા, સંતકબીર રોડ) નામના ઈમીટેશનના વેપારી સવારે ખાટલા પર બેઠા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા સિવિલમાં સારવાર શરૂ થાય તે પહેલા મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું હતું.

પોરબંદરમાં યુવાન બિલ્ડર અબ્દુલ જબ્બાર મોહમ્મદ પુંજાણી (ઉ.વ.૪૫) આજે પોતાના ઘરે આવ્યા ત્યારે પેટમાં દુખાવો થવો અને ઉલ્ટીની ફરિયાદો સાથે તેમણે દવા લીધી પણ દુખાવો વધી જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા. હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યાનું બહાર આવ્યું છે. આ પૂર્વે બુધવારે જામનગરમાં એક યુવાનનું અચાનક હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. યુવાનોના હાર્ટ એટેકથી સમાજમાં ચિંતાનું મોજુ પ્રસરેલું છે, શિયાળામાં જોખમ વધારે રહે છે

આ સમાચારને શેર કરો