Placeholder canvas

રાજકોટ: સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના આરોપીને આજીવન કેદની સજા

રાજકોટ: સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં તરઘડીના વિપુલનાથ પરમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2020માં વિપુલનાથ પડધરી તાલુકાના ગામમાંથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો અને પછી દુષ્કર્મ આચર્યું હતું. મદદનીશ સરકારી વકીલ મુકેશ પીપળીયાની દલીલો ધ્યાને લઈ સ્પે.પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે.ડી. સુથારે સજા સાથે રૂ.10 હજારના દંડનો હુકમ કર્યો છે.

તા.2 -11 -2020 ના રોજ પડધરી તાલુકાના ગામમાંથી સગીરાનું અપહરણ થયું હતું. આરોપી વિપુલનાથ કિશોરનાથ પરમાર સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લઈ જઈ અને તેના ઉપર બળાત્કાર ગુજારેલ અને આ ગુનાની ફરિયાદ સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપી વિપુલનાથની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેસ રાજકોટની સ્પેશ્યલ પોક્સો અદાલતમાં શરૂ થયો હતો. કેસ ચાલતા સરકાર તરફે સરકારી વકીલ દ્વારા અદાલતમાં ફરિયાદીની તથા ભોગ બનનારની જુબાની લેવામાં આવી હતી. ડોક્ટરની અને પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ પણ રજૂ રાખ્યો હતો.

સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે, આરોપી સામે ભોગબનનારે સોગંદ ઉપર જુબાની આપેલી છે. ફરિયાદીએ પણ તેમનો કેસ સાબિત કરેલો છે. ડોક્ટરની તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાનીથી પણ પ્રોસિકયુશનના કેસને સમર્થન મળે છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટથી પણ પ્રોસિટ્યુશનના કેસને સમર્થન મળે છે. આરોપીના કપડામાં તેમજ ભોગ બનનારાના કપડામાં સીમેનની હાજરી જણાય આવી છે.

આ તમામ દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક પુરાવાઓ તેમજ સરકાર તરફથી સરકારી વકીલ કરેલી દલીલોને ધ્યાને લઈ સ્પેશ્યલ પોક્સો અદાલતના સેશન્સ જજ જે. ડી. સુથારે આરોપી વિપુલનાથ કિશોરનાથ પરમારને આજીવન કેદની સજા તેમજ રૂ.10,000નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો