Placeholder canvas

રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે સીનીયર IPS અધિકારી રાજુ ભાર્ગવ મુકાયા.

રાજકોટ પોલીસ દ્વારા બે મહિના પહેલા કથિત રીતે આચરવામાં આવેલા તોડકાંડ બાદ સમગ્ર રાજયમાં પોલીસની છબીને જોરદાર ધકકો પહોંચ્યો હતો. આ પછી સફાળી જાગી ઉઠેલી સરકારે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની ‘સજારૂપે’ જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરી નાંખવામાં આવી હતી. તેમની બદલી થયા બાદ છેલ્લા બે મહિનાથી રાજકોટમાં કાયમી પોલીસ કમિશ્નરની જગ્યા ભરાતી જ ન હતી અને શહેર પોલીસનું ગાડુ ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી ગબડાવવામાં આવી રહ્યું હતું.

રાજકોટને કાયમી કમિશ્નર મળે તે માટે સરકાર સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવી હતી. દરમ્યાન આજે સરકારે રાજકોટમાં પોલીસ કમિશ્નર તરીકે એડીશ્નલ ડીજી રાજુ ભાર્ગવની નિમણુંકનો હુકમ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે રાજુ ભાર્ગવ 199પ બેચના આઇપીએસ અધિકારી છે અને તેઓ હાલ એડીશ્નલ ડીજી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. હવે તેમની રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે બદલી થઇ જતા એડીશ્નલ ડીજીનું પદ ખાલી પડયું છે. જેના પર સરકાર ટુંક સમયમાં નવા અધિકારીની નિમણુંક કરશે. સિનીયર આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ આર્મ્સ યુનિટના વડા છે. તેઓ ગાંધીનગર પહેલા દિલ્હી ડેપ્યુટેશન પર હતા. વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે નવા પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવ આવતીકાલે સાંજ સુધીમાં ચાર્જ સંભાળે તેવી શકયતા વ્યકત થઇ રહી છે.

આ સમાચારને શેર કરો