Placeholder canvas

‘નાયક’ ફિલ્મની માફક, ગુજરાતના વિધાર્થીઓ એક દિવસીય વિધાનસભાનું સત્ર સંભાળશે.

ગુજરાતના ૧૮૨ વિદ્યાર્થીઓ આ એક દિવસીય સત્રમાં અધ્યક્ષ, મુખ્યમંત્રી, મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતાની જવાબદારી સંભાળશે.

થોડા વર્ષો પહેલા અનિલ કપુરની ફિલ્મ ‘નાયક’માં જોયું હતું કે એક સામાન્ય નાગરિક એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે અને એક દિવસ માટે મુખ્યમંત્રી બનેલા નાયકે એવા તો ક્રાંતિકારી નિર્ણયો લીધેલા કે રિયલ મુખ્યમંત્રી હકકા બકકા થઈ ગયેલા. ગુજરાત વિધાનસભામાં આવી ફિલ્મી ઘટના વાસ્તવિક બનવા જઈ રહી છે,

ગુજરાતની આખી વિધાનસભા વિદ્યાર્થીઓ ચલાવશે! હા આ સાચું છે,યુવા વર્ગનું લોકશાહીની નજીક લાવવા દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાત નવતર પ્રયોગ જુલાઈના પ્રથમ સપ્તાહમાં કરશે. જેમાં એક દિવસીય વિધાનસભાનું સત્ર વિદ્યાર્થીઓ ચલાવશે, અહીં વિદ્યાર્થી જ સીએમ બનશે, વિધાનસભાના અધ્યક્ષ બનશે અને વિપક્ષના નેતા બનશે! અલબત, આ વિદ્યાર્થીઓનું મંત્રીમંડળ માત્ર વિધાનસભાની કાર્યવાહી કરશે. ‘નાયક’ ફિલ્મના નાયકની જેમ ફિલ્મી ફેસલા નહીં લઈ શકે! વિધાનસભાના એક દિવસીય સત્ર દરમિયાન પ્રશ્નોતરી કાળ યોજાશે. જેમાં અમુક વિદ્યાર્થીઓને મંત્રીની જવાબદારી સોંપાશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યે આ ઐતિહાસિક અને નવતર વિદ્યાર્થીઓ દ્વારા ચાલનાર એક દિવસીય સત્રને મંજુરી આપી છે. વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યે આ મામલે જણાવ્યું હતું કે 182 વિદ્યાર્થીઓ કે જેઓ ધો.11-12માં ભણે છે તેમના માટે આ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રાજયના ખૂણે ખુણેથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી રહી છે. નિમાબેન આચાર્યે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે યોજાઈ રહેલી યુવા સંસદમાં વિદ્યાર્થીઓમાંથી જ મંત્રી બનાવાશે, જે પ્રશ્નોતરીકાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપશે.

આ સમાચારને શેર કરો