skip to content

ફી ઘટાડવાની સરકારની ફોર્મ્યુલા ફગાવતું શાળા સંચાલક મંડળ 

ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે અસ્તવ્યસ્ત બનેલા શૈક્ષણિક શેડ્યુલ અને શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓની ફીના મુદે સર્જાયેલા વિવાદમાં આજે શાળા સંચાલક મંડળે ગુજરાત હાઈકોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, શાળા સંચાલકો ફી ઘટાડવા માટે તૈયાર નથી. રાજ્ય સરકાર દ્વારા અગાઉ ફી મુદે શાળા સંચાલકો સાથે એક ફોર્મ્યુલા નિશ્ચિત કરવા પ્રયાસ થયો હતો.

તેમાં શાળા સંચાલકો હાલની જે નિયમિત ફી છે તેના સ્થાને 50 ટકા કે તેની આસપાસની ફી વસૂલે તેવું સમાધાન શાધવા પ્રયત્ન કર્યો હતો પરંતુ આજે શાળા સંચાલક મંડળોએ રાજ્ય સરકારની આ ફી ઘટાડાની ફોર્મ્યુલા સ્વીકારવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. શાળા સંચાલક મંડળે હાઈકોર્ટમાં એવું સોગંદનામુ રજૂ કર્યું છે કે ચાલુ વર્ષે ફી વધારી નથી તેને જ ઘટાડો સમજી લેવો જોઇએ.

જો કે અનેક શાળાઓ ડોનેશન વગેરે લઇ રહી છે તેવા આક્ષેપો પર શાળા સંચાલક મંડળોએ જણાવ્યું હતું કે જો કોઇ શાળા ડોનેશન લેતી હશે તો અમે જ તેેને ખુલ્લા પાડશું. શાળા સંચાલકના આ સોગંદનામાથી હાઈકોર્ટ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે. અગાઉ રાજ્ય સરકારે સમાધાનમાં હાથ ઉંચા કરી દીધા હતા અને હાઈકોર્ટમાં સોગંદનામું કરીને સરકારે જણાવ્યું હતું કે શાળા સંચાલકો ફી ઘટાડો કરવા તૈયાર નથી અને આખરી નિર્ણય હાઈકોર્ટ પર છોડ્યો હતો.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews

શાળા સંચાલકોએ સોગંદનામામાં જો કે જણાવ્યું હતું કે, ગરીબ વિદ્યાર્થીઓ માટે ફીમાં રાહત આપવા હજુ વિચારી શકાય પરંતુ અમે એકંદર ફી ઘટાડવા માટે તૈયાર નથી. અને અમે ફી વધારો કર્યો નથી તે જ મોટી બાબત છે. આમ શાળા સંચાલકોના આ પ્રકારના વલણથી હવે હાઈકોર્ટ જ આખરી નિર્ણય લઇ શકશે.

આ સમાચારને શેર કરો