સરકારની વધુ એક લોલીપોપ: માત્ર 25 % જ સ્કૂલ ફી માફી
સરકાર વાલી અને વિદ્યાર્થીઓને નજર અંદાજ કરીને સ્કૂલ સંચાલકોના ખોળે બેસી ગઈ…
સરકારે આમનું પરિણામ 8 વિધાનસભા અને આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં ભોગવવું પડશે…
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શાળાઓની ફીના મુદ્દે સરકાર અને વાલીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે શિક્ષણમંત્રીની આ જાહેરાતને વાલીઓએ મજાક ગણાવી છે. વાલીઓએ 50 ટકા ફી માફીની માંગ કરી હતી. વાલીઓએ આ ફી માફીને લોલીપોપ ગણાવી રહ્યાં છે.
વાલીઓ માટે આજે કહેવાતા રાહતના સમાચારમાં વાલીઓને રડાવનાર સમાચાર સરકારે આપ્યા છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી માફી આપવાનો રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના સ્કૂલ-સંચાલકો માત્ર 25 ટકા ફી માફી માટે તૈયાર થયા છે તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણેક મહિનાથી ફી માફી અંગે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ગઈકાલે 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થયાના 24 કલાકમાં જ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણય અંગે સ્કૂલ સંચાલક મંડળે કહ્યું કે,વાલીઓ 31 ઓક્ટોબર સુધી ફી ભરે તો જ 20 % માફી આપીશું અને જે વાલી મોડી ફી ભરશે તેને આ લાભ નહીં મળે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં 25 ટકા ફી માફીની જાહેરાત પર વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છા. સરકારની આ જાહેરાતને વાલીઓએ લોલીપોપ ગણાવી છે. 50 ટકા ફી માફીની માંગ સામે સરકારે વાલીઓને છેતર્યાં છે. સરકારની જાહેરાતને નકારતા વાલીઓએ કાયદાકીય લડત આપવાની તૈયારી દર્શાવી છે. વાલીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધીશું, ફી મુદ્દે સરકાર જાહેરાત કરી પૂર્ણ વિરામ ન સમજે. સરકારને ચૂંટણીમાં વાલીઓ જવાબ આપશે.
સુરતમાં વાલીઓએ આ ફી માફીને લોલીપોપ ગણાવી રહ્યા છે. વાલીઓએ માગ કરી છે કે 50 ટકા ફી માફી કરવામાં આવે. જો ફી માફી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ વાલીઓએ તૈયારી દર્શાવી છે. સરકારે વાલીઓના હિત વિરુદ્ધ નિર્ણય કર્યો છે. સુરતમાં વાલીઓએ પ્લે કાર્ડની હોળી કરીને વિરોધ નોંધાવ્યો છે. વાલીઓએ માગ કરી છે કે માફિયાઓનું દેવુ માફ કરવામાં આવતું હોય તો અમારું કેમ નહીં. સરકારે 1.5 કરોડ વાલીઓને સાચવ્યા નથી.
રાજકોટમાં સરકારની ફી માફીની જાહેરાતથી રાજકોટ વાલીઓએ નારાજગી વ્યકત કરી. 25 ટકા ફી માફીએ માત્ર એક લોલીપોપ છે. વાલીઓએ જણાવ્યું કે 100 ટકા ફી માફી કરવી જોઇએ. સરકારનો આ નિર્ણય શાળાની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. વાલીઓએ કહ્યું આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
વડોદરમાં વાલીઓએ સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. વાલીઓએ આક્ષેપ કર્યો કે સરકાર શાળા સંચાલકોના ખોળે બેસી ગઈ છે. 25 ટકા ફી ઘટાડો અમને માન્ય નથી. વાલી મંડળ છે જ નહીં તો અત્યાર સુધી સરકારે બેઠકો કેમ કરી.. હવે છેલ્લી ઘડીએ સરકારને વાલી મંડળના રજીસ્ટ્રેશનની વાત કેમ યાદ આવી છે. વાલીઓએ માગ કરી છે કે સરકાર શાળાઓને સ્પષ્ટ આદેશ આપે અને 50 ટકા ફી માફી કરવામાં આવે.
નરેશ શાહની પ્રતિક્રિયા
રાજ્ય સરકારની 25 ટકા ફી માફીની જાહેરાત મુદ્દે નરેશ શાહનું નિવેદન સામે આવ્યું છે. રાજ્ય સરકારે 25 ટકા ફી માફ કરી તે ઓછી છે. વાલીમંડળ આ અંગે ફરીથી બેઠક કરશે. અમે ફરીથી હાઇકોર્ટમાં જઇ શકીએ છીએ.
વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પેટલનું નિવેદન
રાજ્ય સરકાર દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત પર વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે નિવેદન આપ્યું છે. સરકાર વાલીઓની અવગણના કરી રહી છે. શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માફી કરવી જોઇએ. સરકારની જાહેરાત લોલીપોપ સમાન છે.
25 ટકા રાજ્ય સરકાર ઉમેરીને 50 ટકા ફી માફી આપેઃઓલ ગુજરાત વાલી મંડળ
આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, સરકારે ફી મામલે 6 મહિના થયા છતાં કોઈ ઠરાવ કર્યો નહોતો. આથી અમે હાઈકોર્ટમાં PIL કરી હતી. PILમાં અમે 50 ટકા ફીની માંગણી કરી હતી, કારણ કે શિક્ષકો અને પ્યૂનના પગાર બાદ કરતા જે ખર્ચાઓ છે તે બાદ કરીને ફી માફી આપો. ત્યાર બાદ હાઈકોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે અરજદારને બોલાવ્યા અને અમે તેમાં લેખિત રજૂઆત કરી કે અમને 50 ટકા ફી માફી આપો. સ્કૂલ સંચાલકો જો 25 ટકાની માગણી કરતા હોય તો અમને કોઈ વાંધો નથી તેમાં બીજા 25 ટકા રાજ્ય સરકાર ઉમેરીને 50 ટકા ફી માફી આપે. આજે સરકારે જાહેર કરેલી 25 ટકા ફી માફી ખરેખર ઓછી છે. રાજ્ય સરકાર પાસે 2020-21નું 1500 કરોડનું ભંડોળ વણવપરાયેલું છે. તો આ ભંડોળમાંથી 25 ટકા કાઢીને ફી માફી આપી હોત તો આર્થિક સંકડામણમાં વાલીઓને રાહત મળી હોત. અમારી પાસે હજુ હાઈકોર્ટમાં જવાનો મુદ્દો છે અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં જઈશું.
હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો સ્કૂલ ફી ઘટાડવા સરકાર સ્વતંત્ર નિર્ણય લે
આ પહેલા ફી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.
સ્કૂલ સંચાલકો ફી માફી આપવા કે નમતું જોખવા તૈયાર નહોતા
સરકારે સંચાલકો સાથે કરેલી ત્રણથી ચાર બેઠકમાં સ્કૂલ સંચાલકો સહેજ પણ નમતું જોખવા તૈયાર થયા નહોતા, એવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે ફી મામલે સંચાલકો સાથે ખુલ્લા મને બે વખત વચલો રસ્તો શોધવા બેઠક કરવામાં આવી છે. સરકારે વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવા દરખાસ્ત આપી હતી, જેનો સંચાલકોએ ઇન્કાર કર્યો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…