skip to content

કાગદડીના મહંતના મોતનું રહસ્ય પાંચ પાનાની સ્યુસાઈડ નોટે ખોલ્યું

રાજકોટની ભાગોળે આવેલા કાગદડી ગામે ખોડીયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુ ગુરૂ પ્રેમદાસ (ઉ.વ.65)નું ગત તા.1ના રોજ વહેલી સવારે મોત નિપજયું હતું. પ્રથમ કુદરતી મોતમાં ખપાવી દેવાયા બાદ બાપુએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવતા મૃત્યુ અંગેનો ભેદ ખુલી ગયો હતો અને મહંતનું હાર્ટએટેકથી નહીં પરંતુ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાથી મોત થયાનું ખુલ્યું છે.

ગત તા.1ના રોજ વહેલી સવારે સાતેક વાગ્યા આસપાસ એકાએક મહંતની તબીયત લથડતા આશ્રમના ટ્રસ્ટીઓ અને સેવકગણના લોકો દોડી ગયા હતા. ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ બાપુની તબીયત ખરાબ થઈ ત્યારે તેમના ભત્રીજા અલ્પેશ સોલંકી પણ ત્યાં હાજર હતા, ડોકટરોને બોલાવી બાપુએ સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ બાપુનું અવસાન થતા તેમના પાર્થિવ દેહને આશ્રમ ખાતે લાવવામાં આવ્યો હતો. જે લોકો બાપુને હોસ્પીટલે લઈ ગયા હતા તેમણે પરત આવી બાપુનું હાર્ટએટેકથી મોત થયાનું બધાને કહ્યું હતું. જેથી કુદરતી મોતના કારણે બાપુની વિદાય થતા ભાવિકોમાં શોકની છવાઈ હતી. જો કે, બાપુના અનુયાયીઓને હજુ એક આઘાત લાગે તેવી ઘટના બની,

સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિએ કુવાડવા રોડ પોલીસને અરજી કરી હતી કે, બાપુનું કુદરતી મોત નહીં પરંતુ તેમણે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કર્યો હોવાની હકકત સાથે તપાસની માંગ કરી હતી. અરજી મળતા જ કુવાડવા રોડ પોલીસના પીઆઈ એન.એન.ચુડાસમાએ જુદી-જુદી ટીમો બનાવી સ્ટાફને તપાસમાં લાગી જવા કહ્યું હતું. ટ્રસ્ટીગણના જણાવ્યા મુજબ બાપુના અવસાન બાદ તેમના પાર્થિવ દેહને દર્શન માટે આશ્રમ ખાતે રાખવામાં આવેલ અને બાપુના ગુરૂ ત્યાં પધારતા તેમના કહેવા મુજબ અંતિમવિધિ કરી તા.3ના રોજ હરીદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કરી દેવાયું હતું.

જોકે પોલીસ પાસે મામલો પહોંચતા જે ટ્રસ્ટીઓ આ વાતથી અજાણ હતા તેમણે આશ્રમમાં તપાસ કરી હતી ત્યારે બાપુના રૂમમાં તેમણે રાખેલા કાગળો વચ્ચેથી પાંચ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. ટ્રસ્ટીઓએ તુરંત કુવાડવા રોડ પોલીસને જાણ કરી આ સ્યુસાઈડ પોલીસને આપી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, બાપુએ સ્યુસાઈડ નોટમાં લખ્યા મુજબ આર્થિક લાભ મેળવવા માટે તેમના ભત્રીજા અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે. પેઢાવાડા, તા.કોડીનાર), હિતેષ લખમણ જાદવ (રહે. પ્રશ્ર્નાવાડા તા. સૂત્રાપાડા) અને વિક્રમ દેવજી સોહલા (ભરવાડ) (રહે.ગાંધગ્રામ રાજકોટ)

એ રૂપિયા પડાવી લેવા મહંતનો એક મહિલા સાથે વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં બાપુને વિડીયો કલીપ બતાવી બ્લેક મેઈલ કરવાનું શરુ કર્યુ હતું. આ વિડીયો અલ્પેશ અને હિતેષે ઉતાર્યો હતો. જયારે વિક્રમ ભરવાડ બાપુને ત્રાસ આપવામાં આરોપીઓને મદદ કરતો હતો. અનેક વખત આ શખ્સોએ બાપુ પાસેથી રૂપીયા પડાવી લીધા હતા અને અવારનવાર રૂપિયાની માંગણી કરતા હતા. વિક્રમ ભરવાડે તો જયરામદાસ બાપુ સાથે મારકુટ પણ કરી હતી તેવો સ્યુસાઈડમાં ઉલ્લેખ છે. ત્રણ આરોપીઓનો ત્રાસ વધી જતા અંતે જયરામદાસ બાપુએ આશ્રમના ઉપરના રૂમમાં ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

કુવાડવા રોડ પોલીસે આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી રામજીભાઈ જેશાભાઈ લીંબાસીયા (ઉ.વ.52, રહે. કાગદડી, તા.રાજકોટ)ને ફરિયાદી બનાવી, ફરિયાદના આધારે આરોપીઓ સામે આઈપીસી કલમ 306, 114 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો