Placeholder canvas

મહાપાલિકા-નગરપાલિકા પેટાચૂંટણીનું પરિણામ: ભાજપનો દબદબો, કોંગ્રેસનું ચિત્ર સુધર્યુ, ‘આપ’ની ડિપોઝીટ ડુલ…

ગુજરાતમાં મહાનગરપાલિકાની એક અને નગરપાલિકાની 29 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ફરી ભાજપે મેદાન માર્યુ છે અને સુરતની મહાનગરપાલિકાની એકમાત્ર બેઠકની યોજાયેલી પેટાચૂંટણી જીતી લીધી છે. વોર્ડ નં.20ની સામાન્ય બેઠક પર ભાજપના રાજેશભાઈ રાણા વિજેતા થયા છે. ભાજપે દાવો કર્યો છે કે કુલ જે 30 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી

તેમાં 21 બેઠક પર ભાજપને વિજય થયો છે. કોંગ્રેસ પક્ષને 8 બેઠક અને એક બેઠક પર અપક્ષ વિજેતા થયા છે. જો કે આ ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ વિવિધ બેઠકો પર 12 જેટલા ઉમેદવાર ઉભા રાખ્યા હતા તે તમામ પરાજીત થયા છે. કોંગ્રેસ પક્ષે દાવો કર્યો છે કે તેનો દેખાવ સુધર્યો. શક્તિસિંહ ગોહિલે ટવીટ કરીને જણાવ્યું કે જે પેટાચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસ પાસે પાંચ જ બેઠક હતી. અમોએ નવ બેઠકો જીતી છે અને પક્ષ જંબુસર, ડિસા, આણંદ, મોડાસા, પાલનપુર, પાલીતાણા બેઠક જીતી છે. ઠાસરામાં પક્ષ બે અને મુંદ્રામાં ચાર મતે હાર્યા છે.

ડીસામાં હાલમાંજ કોંગ્રેસના ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા છતા પણ ત્યાં કોંગ્રેસ જીતી છે તો પોરબંદરમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના ક્ષેત્રમાં નગરપાલિકામાં ભાજપ જીતી છે. આમ આદમી પાર્ટી જેણે સુરતની મહાપાલિકાની ચુંટણીમાં 27 બેઠકો જીતીને ધમાકો કર્યો હતો પણ બાદમાં તેના 10થી વધુ સભ્ય ભાજપમાં ભળ્યા છે ત્યાં પેટાચુંટણીમાં સુરતમાં તેના ઉમેદવારની ડિપોઝીટ પણ ડુલ થઈ છે તો કુલ પાંચ બેઠક પર તેના ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી છે.

આ સમાચારને શેર કરો