Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજયની 14 વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ માટે તા.1થી GCAS પોર્ટલ પર શરૂ થશે રજિસ્ટ્રેશન

ધો.12નાં પરિણામ બાદ બે અઠવાડીયામાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરાશે

ધો.12ની પરીક્ષા બાદ કોલેજમાં પ્રવેશ અંગેની કાર્યવાહી માટે કોમન એડમીશન પોર્ટલ પર રજીસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કેવી રીતે કરવાની રહેશે તેની વિગતો પણ જાહેર કરી દીધી છે. જેમાં ધો.12ની પરીક્ષા પુરી થયા બાદ 1લી એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

રાજયમાં પહેલી વખત ધો.12 પછીની તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોમન રજીસ્ટ્રેશન કરાવવાનું નકકી કરાયું છે એટલે કે રાજયની સૌરાષ્ટ્ર યુનિ. સહિત 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે 1લી એપ્રિલથી લઈને ધો.12નું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધીમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે. ધો.12 પુરક પરીક્ષાનું પરિણામ આવ્યા પછી પાંચ દિવસ માટે ફરીવાર પોર્ટલ શરૂ કરવામાં આવશે.

પુરક પરીક્ષામાં પાસ થયેલા અથવા તો અગાઉ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બાકી હોય તેવા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. જે તે યુનિવર્સિટીઓએ પાંચ દિવસમાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કામગીરી કરવાની રહેશે.

વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન બાદ દરેક યુનિવર્સિટીઓના લોગ ઈન આઈડી આપવામાં આવશે. યુનિવર્સિટીઓએ પોતાની વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોની પ્રક્રિયા સ્વાયતતાથી કરવાની રહેશે. જેમાં મેરિટ લીસ્ટ તૈયાર કરીને પુરક પરીક્ષા સિવાયના વિદ્યાર્થીઓની કાર્યવાહી ત્રણ રાઉન્ડમાં પુરી કરવાની રહેશે.

આમ, શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા પછી દરેક યુનિવર્સિટીઓને ડેટા સુપરત કરાશે તેના મેરિટના આધારે જુદી જુદી કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા કરવાની રહેશે.

પ્રક્રિયા કયારે થશે:
1લી એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી પરિણામના બે સપ્તાહમાં ભરી શકશે અને ડોકયુમેન્ટ વેરીફીકેશન પણ પરિણામના ત્રણ સપ્તાહમાં કરાવાનું રહેશે. જેના આધારે પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ પરિણામ બાદ ત્રણ સપ્તાહમાં જાહેર કરવું પડશે. આ લિસ્ટમાં મુશ્કેલી હોય તો સુધારા માટે વિદ્યાર્થીઓને બે દિવસ આપવાના રહેશે. ત્યારબાદ બે દિવસ પછી ફાઈનલ મેરિટ લીસ્ટ જાહેર કરાશે.

આ સમાચારને શેર કરો