રાજકોટ: આગામી જૂન-જુલાઈથી એઇમ્સ પણ ફૂલફલેઝમાં ધમધમશે
રાજકોટ: રાજકોટ નજીકના પરા પીપળીયા ખાતે કરોડોના ખર્ચે નિર્મામ પામી રહેલી એઇમ્સને આગામી જૂન-જુલાઈ-2023થી ફૂલફલેજમાં ધમધમતી કરી દેવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યું હતું કે આ એઇમ્સ કાર્યરત થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આરોગ્ય સુવિધામાં વધારો થશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે હાલ એઇમ્સમાં ઓપીડીની સુવિધાનો દર્દીઓ લાભ લઇ રહ્યા છે. એઇમ્સ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી બસ સેવાઓ દોડાવવામાં આવી રહી હોય દર્દીઓને શહેરમાંથી એઇમ્સ સુધી પહોંચવામાં સરળતા રહે છે. એઇમ્સના કેમ્પસમાં એ થી ઇ બિલ્ડીંગોનું કાર્ય હાલ ધમધોકાર ચાલી રહ્યું છે.
300 બેડની આ હોસ્પિટલ આરોગ્યની તમામ આધુનિક સુવિધાથી સુસજ્જ હશે. જેના લીધે રાજકોટના દર્દીઓને ઘરઆંગણે જ નજીવા દરે આરોગ્ય સારવારની આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. એઇમ્સની કામગીરી અંગે આજે સાંજે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા સીડીએચ કટોચ સહિતના અધિકારીઓ સાથે ખાસ બેઠક આયોજીત કરવામાં આવી છે.