Placeholder canvas

રાજકોટ: ઓઈલ મિલ સીલ કરાતા પ્રતિષ્ઠાને ધક્કો લાગતા કલેક્ટર, મામલતદારને 220 કરોડની બદનક્ષીની નોટિસ…

રાજમોતી મિલ સીલ કરતા ભાગીદારોએ કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી

રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાથી પૂર્વ વિસ્તારના મામલતદારે બેંકોની બાકી લોન સંદર્ભે રાજમોતી ઓઇલ મિલ સીલ કરી દીધી હતી. તે મામલે રાજમોતી મિલના ભાગીદારે તેમના વકીલ મારફત રાજકોટ જિલ્લા કલેક્ટર અને મામલતદાર પૂર્વને રૂ.220 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારતા ચકચાર મચી ગઇ હતી.

રાજમોતી ઓઇલ મિલ અને તેના સંચાલકોની મિલકત જપ્ત કરવાના રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના પગલાં સામે રાજમોતી મિલના ભાગીદાર સમીર મધુકાંત શાહે ગુરુવારે પૂર્વે ઝોનના મામલતદાર રુદ્ર ગઢવીને સિવિલ કન્ટેમ્પ્ટની નોટિસ પાઠવ્યા બાદ શુક્રવારે બદનક્ષીની નોટિસ પાઠવી છે જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટરને હોદ્દાગત રીતે અને પૂર્વ ઝોન મામલતદાર રુદ્ર ગઢવીને નામજોગ નોટિસ ફટકારી છે.

રાજમોતી મિલના ભાગીદાર સમીર શાહે તેના વકીલ અંશ ભારદ્વાજ મારફત જે નોટિસ ફટકારી છે તેમાં જણાવ્યું હતું કે, પેઢીની બ્રાન્ડ વેલ્યુ પેટે રૂ.50 કરોડ, બ્રાન્ડનેમ પેટે રૂ.50 કરોડ, પેઢીના બંને ભાગીદારની વ્યક્તિગત શાખ પ્રતિષ્ઠા, માન સન્માન અને મોભાને નુકસાની બદલ રૂ.80 કરોડ, આ મિલમાં કામ કરતાં 80 જેટલા શ્રમિકની રોજીરોટી છીનવી લેવાના મામલે રૂ.40 કરોડ મળીને કુલ રૂ.220 કરોડની બદનક્ષીની નોટિસ આપવામાં આવી છે અને 15 દિવસમાં આ નાણાં ચૂકવીને પાકી અસલ પહોંચ મેળવી લેવાની રહેશે અને જો એમ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બદનક્ષીની નોટિસમાં એમ પણ જણાવાયું છે કે, સમીર શાહની ભાગીદારીવાળી રાજમોતી ઓઇલ મિલ દ્વારા સિંગતેલ અને કપાસિયા તેલનું ઉત્પાદન અને વેચાણ ગુજરાત તથા અને ગુજરાતની બહાર પણ થાય છે. સમીર શાહ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે અને ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠનના પ્રમુખ છે. કલેક્ટર તંત્રએ ઓઇલ મિલને સીલ કરતા તેમની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે. જપ્તીની કોઇ આગવી નોટિસ આપવામાં આવી નહોતી અને જપ્તીની કાર્યવાહીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હોવાનું જાણતા હોવા છતાં આ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, બેંકને રૂ.69 કરોડ જેટલી રકમનું વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. પ્રોસેસિંગ ચાર્જ કે જે કરોડોમાં થાય છે તેનું પણ ચૂકવણું કરવામાં આવ્યું છે. રાજમોતી મિલનું પજેશન લેવાને બદલે મેનેજમેન્ટ સંભાળી લેવા માટે પણ દરખાસ્ત કરી હતી અહીં કામ કરતા કામદારોની રોજીરોટી છીનવાઇ નહીં તે માટે આવી દરખાસ્ત કરવામાં આવી હતી. આ પ્રપોઝલ માટે અપફ્રન્ટ રકમના રૂ.1.20 કરોડ પણ જમા કરાવ્યા હતા. રાજમોતી ઓઇલ મિલના ભાગીદારે કલેક્ટર અને મામલતદારને બદનક્ષીની નોટિસ ફટકારતા શહેર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.

આ ઉપરાંત રાજમોતી ઓઈલ મિલના આગળના ભાગે જે દુકાનો છે તેમાંથી કેટલીક દુકાનોમાં ભાડુઆતોનો લાખો રૂપિયાનો માલ સલવાયો છે તે મુદ્દે પણ ભાડુઆતો ધક્કા ખાઈ રહ્યા છે.

આ સમાચારને શેર કરો