Placeholder canvas

રાજકોટ તાલુકાના રીબ ગામે બે પરિવાર વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં 5ને ઇજા.

રાજકોટ : રાજકોટ તાલુકાના રીબ ગામે ‘તારી માતાજી અમને નડે છે, પાછી વાળી લે’ તેમ કહેતા બે પરિવાર વચ્ચે ધીંગાણુ ખેલાયું હતું જેમાં સાસુ-વહુ સહિત પાંચ લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

આ બનાવની સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ગઈકાલે રાત્રે બાર વાગ્યા આસપાસ ગોંડલ તાલુકાના રીબ ગામના વતની વિજયભાઈ જીવણભાઈ મેવાડા (ઉ.વ.30) તેમના પત્ની જયોતિબેન વિજયભાઈ મેવાડા (ઉ.વ.28) માતા ભાનુબેન જીવણભાઈ મેવાડા (ભરવાડ) (ઉ.વ.52) અને સામા પક્ષના સુખાભાઈ બિજલભાઈ મેવાડા (ઉ.વ.40) અને તેમના પિતા બિજલભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મારામારીમાં ઈજા થઈ હોવાનું જણાતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીનો સ્ટાફ દોડી ગયો હતો.

પ્રથમ વિજયની પુછપરછ કરતા બિજલભાઈ, સુખાભાઈ અને રમેશભાઈએ ધોકા-પાઈપથી માર માર્યો હોવાનું જણાવ્યું હતું. સામે પક્ષે સુખાભાઈએ આક્ષેપ કરેલો કે, જીવણભાઈ, વિજયભાઈ, ભાનુબેન અને અજાણ્યા શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. બનાવ અંગે ઈજાગ્રસ્ત વિજયના ભાઈએ જણાવ્યું હતું કે, બિજલભાઈ મેવાડા તેમના ઘરડાદાદા થાય છે, અને તે નાતે સુખાભાઈ તેમના પિતા જીવણભાઈના કૌટુંબિક ભાઈ થાય, ગઈકાલે સાંજે સુખભાઈએ ફોન કરી જણાવેલ કે, ‘તમારી માતાજી અમને નડે છે,

તેને પાછી વાળી લે’ અને રાત્રે સુખાભાઈએ રીબ ગામના અમારા કુટુંબના મેલડી માતાજીના મંદિરે બોલાવ્યા હતા, જેથી હું, મારો ભાઈ વિજય, ભાભી જયોતિબેન, માતા ભાનુબેન અને પિતા જીવણભાઈ એમ અમે બધા મંદિરે રાત્રે 11 વાગ્યા આસપાસ ગયા હતા. અહીં માતાજી પાછા વાળવાની વાતને લઈ માથાકુટ-બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા સુખાભાઈ, બિજલભાઈ, રમેશભાઈ આ તમામ અગાઉથી જ પાઈપ ધોકા લઈને આવ્યા હોય હુમલો કરતા વિજયભાઈને માથામાં ઈજા થતા છ ટાંકા આવ્યા છે. માતા ભાનુબેનને પગમાં ફેકચર થયુ છે અને ભાભી જયોતિબેનને મુંઢ માર લાગ્યો છે.

સામા પક્ષે સુખાભાઈને ફેકચર થયાનું જાણવા મળે છે અને જીવણભાઈને સામાન્ય ઈજા થઈ છે. પશુપાલન અને છકડો-ઈકો ડ્રાઈવીંગ તેમજ ખેતીવાડી સાથે જોડાયેલા આ બન્ને પરિવાર વચ્ચે મહામારીનું આજ કારણ હતું કે બીજું કોઈ કારણ છે તે હકીકત જાણવા ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો