રાજકોટ:આર.કે.યુનિવર્સિટીના વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ
રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તે વચ્ચે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાવનાર આર.કે.યુનિવર્સિટીમાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને આરોગ્ય વિભાગ દ્વારા હવે તેમાં ઓમિક્રોનનો સંક્રમણ છે કે નહીં તે અંગે તપાસ ચાલુ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે જે ત્રણ વિદ્યાર્થીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે ત્રણેને કોરોનાનું એકપણ લક્ષણ જોવા મળ્યું નથી. જોકે તાજેતરમાં જ ઓમિક્રોનનો કેસ મળી આવ્યો હોવાથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યુનિવર્સિટીમાં માસ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હોય, તેમાં આ ત્રણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત નીકળ્યા છે.
આ ત્રણે વિદ્યાર્થીઓ વિદેશથી છે અને આર.કે.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા હાલમાં જ તાન્ઝાનીયાથી આવેલા વિદ્યાથી કોરોના પોઝીટીવ અને તે પણ ઓમિક્રોનનો કેસ જાહેર થયા બાદ 112 જેટલા વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાયો હતો જેમાં ત્રણ પોઝીટીવ જાહેર થયા છે. હજુ તે ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત હોવાનું જાહેર થયું નથી. યુનિવર્સિટીના સુત્રોએ કહ્યું કે સામાન્ય કોરોના છે અને હાલ આઇસોલેટ કરાયા છે.
અત્રે ઉલ્લેનીય છે જે દર્દીમાં કોરોનાના લક્ષણ ન હોય તેમનો રીપોર્ટ પોઝીટીવ આવે એટલે મોટા ભાગે ઓમિક્રોનનું વેરીયન્ટ હોય શકે તેવું તબીબોનું તારણ છે. ત્યારે આ ત્રણ વિદ્યાર્થીઓને પણ કોરોનાનું લક્ષણ ન હોવા છતાં ચેપ લાગ્યો હોવાથી તેમનો ઓમિક્રોન રીપોર્ટ મહત્વનો બની રહેશે.