Placeholder canvas

હળવદ: આંગળીયા પેઢીના કર્મચારીને દેણું વધી જતા લૂંટનું નાટક કર્યાની કબૂલાત

હળવદ : આજે બપોરે એસબીઆઈ બેન્ક સામે પીએમ આંગળિયા પેઢીના કર્મચારીને તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાતું હોવાનું કહી રૂપિયા 40 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પોતાના ઉપર દેણું વધી જતા આંગળીયા પેઢીના કર્મચારીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સ્પષ્ટ બનતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.

સમગ્ર મોરબી જિલ્લામાં ચકચાર જગાવનાર ઘટનાની વિગતો જોઈએ તો હળવદમાં પીએમ આંગળીયા પેઢીમાં કામ કરતા વાંકાનેરના અમરગીરી ગૌસ્વામી નામના કર્મચારી પોતાની કારમાં રૂપિયા 40 લાખની રકમ લઈને નીકળ્યા ત્યારે હળવદમાં એસબીઆઈ બેન્ક નજીક અજાણ્યા શખ્સે તમારી કારમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહેતા આ કર્મચારી કારની નીચે ઉતરતા ગઠિયો રૂપિયા 40 લાખ ભરેલો થેલો લઈ પલાયન થઇ ગયો હોવાનું અમરગીરી ગૌસ્વામીએ જાહેર કરતા હળવદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક મોરબી એલસીબી સહિતનો પોલીસ કાફલો હળવદ દોડી ગયો હતો.

જ્યારે લૂંટ તફડંચીના ભેદભરમવાળા આ કેસમાં ફરિયાદી આંગડિયા કર્મચારી જ શંકાના પરિઘમાં આવતા પોલીસે ઉલટ તપાસ શરુ કરી હતી પરંતુ વાંકાનેરના અંગળીયા પેઢીના કર્મચારીએ ઓઇલ ઢોળાવાની કેસેટ વગાડવાનું ચાલુ રાખતા પોલીસે ત્રીજું નેત્ર ખોલતા જ આંગળિયા કર્મચારી અમરગીરી ગૌસ્વામી પોપટ બનીને પોતાના ઉપર દેણું વધી જતા આ તરકટ રચ્યાની કબૂલાત આપતા પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી કાનૂની કાર્યવાહી શરૂ કરી આ મામલામાં કોણ-કોણ સામેલ છે તેની તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો