ચૂંટણીની અસર: પાટીદાર આંદોલનના 10 કેસ પાછા ખેંચ્યા
ગુજરાતમાં 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે આંદોલનકારીઓ સામે થયેલા કેસમાંથી 10 કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. આજે રાજયની વિવિધ અદાલતોમાં રજુ થયેલા આ કેસો પરત ખેચવા રાજય સરકાર વતી સરકારી ધારાશાસ્ત્રી દ્વારા હાઈકોર્ટમાં આ અંગે એક સોગંદનામુ રજુ કર્યુ હતું. જેમાં આંદોલન સમયે થયેલા 10 કેસ પરત ખેંચી લેવામાં રાજય સરકારની સહમતી બનાવાઈ છે.
હવે તેના પર તા.15 એપ્રીલે સુનાવણી થશે. બીજી તરફ સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દીક પટેલ સામેના બે કેસ પણ પરત ખેચવાની તૈયારી છે અને જેમ જેમ જે કેસમાં હાઈકોર્ટમાં અને જે તે અદાલતોમાં મુદત આપે છે તેમ તેમ તે સમયે સરકાર આ કેસ પરત ખેચવા અંગેની પ્રક્રિયા શરુ કરે છે. હાર્દીક પટેલ સામે જો કે રાજદ્રોહના બે કેસ છે પરત ખેંચવાની પ્રક્રિયા ગુંચવણભરી છે જેમાં એક કેસમાં હાર્દીકને બે વર્ષની જેલ સજા પણ થઈ છે અને જેની સામેની તેની અપીલ પેન્ડીંગ છે અને હાર્દીક જામીન પર છે તેથી તે પરત ખેંચવા અંગે નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ શહેરમાં જે સેશન્સ કોર્ટમાં કેસ વિડ્રો કરવામાં આવ્યા છે તેમાં કૃષ્ણનગરના બે, નરોડાનો એક, રામોલ, બાપુનગર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ રેલ્વેના કેસ છે. રાજય સરકારે આ કેસ પાછા ખેંચવા જીલ્લા કલેકટરને સૂચના આપવામાં આવી હતી અને સરકારની સૂચના મુજબ શહેર કોટડા, નવરંગપુરા, સાબરમતીના કેસ પરત ખેંચવામાં આવ્યા છે.
હવે સેશન્સ કોર્ટમાં એક જ કેસ પેન્ડીંગ છે જે હાર્દીક સામે રાજદ્રોહનો કેસ છે. અન્ય બે કેસ જેમાં રામોલ પોલીસ સ્ટેશન જેમાં હાર્દીક પટેલ સામેના કેસ છે તેની વિડ્રો કરવાની ચુકાદાની તારીખ 15 એપ્રિલ નિશ્ર્ચિત કરવામાં આવી છે અને ઓઢાવ પોલીસ સ્ટેશનના એક કેસ વિડ્રો કરવાની અરજી પણ આપી દેવામાં આવી છે.